પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
મોત્સાર્ટ અને બીથોવન
 


નથી. રાતરાણી આવીને પુત્રી પામિનાને ચાકુ આપે છે અને સારાસ્ત્રોનું ખૂન કરવાનો હુકમ કરે છે. વળી મોનોસ્ટાટોસ આવીને પામિનાને દબડાવે છે પણ ત્યાં સારાસ્ત્રો આવીને એને તગેડી મૂકે છે, અને પામિનાને ખાતરી આપે છે કે રાતરાણી સાથેની એની દુશ્મનાવટ અને વેર એ પામિના ઉપર વાળશે નહિ.

પછીના દૃશ્યમાં પાપાજિનો સમક્ષ એક કદરૂપી વૃદ્ધા પ્રકટ થાય છે અને પોતાનું નામ પાપાજિના જણાવીને કહે છે : “હું તારી મંગેતર છું.” પાપાજિનો દુઃખ અને ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે. પણ એટલું જ બોલીને પેલી તો તરત જ અલોપ થઈ જાય છે. તામિનોની મૌનપરીક્ષા હજી પૂરી નથી થઈ, એ દુઃખી છે કારણ કે એ પામિના સાથે વાતો કરી શકતો નથી. પામિના બોલે કે પૂછે એનો એ પ્રતિભાવ નહિ આપી શકવાને કારણે પામિના હતાશ થઈ જાય છે કે તામિનો એને ચાહતો નથી, એ રડવા માંડે છે. આ જોઈ તામિનો ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પાપાજિનો સમક્ષ પાપાજિના નામની પેલી વૃદ્ધા ફરીથી પ્રકટ થાય છે પરંતુ તરત જ એ રૂપાળી છોકરીમાં ફેરવાઈ જાય છે તેથી પાપાજિનો આનંદથી નાચી ઊઠે છે, પણ પાપાજિના ફરીથી અલોપ થઈ જાય છે.

પ્રેમભગ્ન હતાશ પામિના આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ ત્રણ છોકરડા આવીને એને બચાવી લે છે અને એને તામિનો પાસે લઈ જાય છે. પાપાજિનાની પ્રતીક્ષામાં નિરાશ થઈને પાપાજિનો પોતાને દોરડે લટકાવીને મરવા જ જતો હોય છે ત્યાં જ પેલા ત્રણ છોકરા આવીને એને સમજાવે છે એટલે એ જાદુઈ ઘંટડી વગાડવી શરૂ કરે છે. પરિણામે તરત પાપાજિના પ્રકટ થાય છે; અને મિલન થાય છે.

પામિનાને પાછી મેળવવા રાતરાણી મોનોસ્ટાટોસની મદદ મેળવે છે પણ સૂર્યપ્રકાશમાં એ બંનેનું જોર ઓગળી જાય છે.