પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ – ૭

ઇડૉમેનિયો


લાંબી ગેરહાજરી પછી ઘેર પાછો ફરી રહેલો ક્રીટનો રાજા ઇડૉમેનિયો સમુદ્રતોફાનમાં ડૂબી જાય છે. નૅપ્ચ્યૂન એને બચાવે છે તેથી ઋણ ચૂકવવા એ શપથ લે છે કે જે જીવતા માનવીનો એને સૌપ્રથમ ભેટો થશે એનો બલિ એ નૅપ્ચ્યૂનને ચઢાવશે. અરેરે ! જે માનવી પર એની પ્રથમ નજર પડી એ એનો જ પુત્ર ઇડામાન્તે હતો. ઇડામાન્તે ઇલિયાના પ્રેમમાં છે. પણ એગેમેનોનની પુત્રી ઇલેક્ટ્રા ઇડામાન્તેના પ્રેમમાં છે. ઇડૉમેનિયો ઇડામાન્તેને રક્ષણ કાજે દૂર દૂર મોકલી દેવાનું નક્કી કરે છે. તેથી સમુદ્રમાંથી નીકળી આવેલો એક રાક્ષસ આવીને ક્રીટવાસીઓને ધમકી આપે છે અને રંજાડે છે; એ નૅપ્ચ્યૂનનો જ દૂત છે. પણ એને ઇડામાન્તે મારી નાંખે છે. પ્રામાણિક ઇડામાન્તે જાતે જ બલિ થવા માટે તૈયાર થઈ નૅપ્ચ્યૂન સમક્ષ હાજર થઈ જાય છે. એનો વધ થાય એ પહેલાંની જ ક્ષણે દૈવી આકાશવાણી સંભળાય છે : “રહેવા દો, મારશો નહિ. ઇડૉમેનિયોએ પુત્ર માટે રાજગાદી ખાલી કરી આપી દૂર જંગલમાં ચાલ્યા જવું.” સર્વત્ર આનંદ ફેલાઈ જાય છે. ઇડામાન્તેનાં લગ્ન ઇલિયા સાથે થાય છે. જોતી જ રહી ગયેલી ઇલેક્ટ્રા બળીને ખાખ થઈ જાય છે. સર્વત્ર ફેલાયેલો આનંદ બેવડાઈ જાય છે.

– અંત –

૧૧૨