પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ – ૧

મોત્સાર્ટ

યુરોપની અથવા તો સમગ્ર માનવજાતની સૌથી વધુ અસાધારણ મહાન પ્રતિભા નિર્વિવાદ એક નાનકડો જર્મન છોકરો વુલ્ફગૅન્ગ મોત્સાર્ટ છે.

– ધ પબ્લિક ઍડ્‌વર્ટાઈઝર,
લંડન, જુલાઈ 1765
 


માત્ર આઠ વરસની ઉંમરે એણે પોતાની શક્તિના પ્રતાપે યુરોપભરમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી. એ ઉંમરે એ ઑસ્ટ્રિયન સામ્રાજ્ઞી મારિયા થેરેસા અને ફ્રેંચ રાજા લૂઈ પંદરમા સાથે બેસીને જમતો. એ ઉત્તમ વાદક તો હતો જ, સાથે ઉત્તમ કમ્પોઝર (સ્વરનિયોજક) હતો. હાયડન જેવા બુઝુર્ગ સંગીતકારોએ એની પાસેથી સંગીતનાં નવાં તત્ત્વો–લઢણો અપનાવી લેવામાં કોઈ ખમચાટ અનુભવેલો નહિ. સ્કૂલે જવાની એને કદી તક મળેલી નહિ, છતાં વાંચવાનો એ શોખીન હતો. એને ઇંગ્લિશ ભાષા આવડતી નહિ. પણ, જર્મન અનુવાદો મારફતે શેક્સપિયરનાં અને મોલિયેરનાં મોટા ભાગનાં નાટકો એણે વાંચેલાં. એણે લખેલા અઢળક પત્રો જર્મન ગદ્ય પરનો એનો અસાધારણ કાબૂ દર્શાવે છે.*[૧] પત્રોમાં એ આખાબોલો દેખાય છે. એક પત્રમાં તે પિતાને લખે છે : “મોટી પાર્ટી… કદરૂપી મહિલાઓથી ભરેલી. પોતાનામાં રહેલી સૌંદર્યની ખોટનું સાટું એમણે દયાથી વાળી દીધું…”

મોત્સાર્ટ પોતાની જ દુનિયામાં મસ્ત હતો. પોતાના મનોરાજ્યને એણે નામ આપેલું : ‘રૂકેન’. જર્મન ભાષાના આ શબ્દનો અર્થ છે — ઊંધી ગતિ અથવા પાછળ તરફની ગતિ. ઘણી વાર એ


  1. * મોત્સાર્ટ કટુંબના સભ્યોએ લખેલા પત્રોના ઈ. એન્ડર્સને કરેલા સંપાદનની ત્રીજી આવૃત્તિ થઈ છે : ‘ધ લેટર્સ ઑફ મોત્સાર્ટ ઍન્ડ હિઝ ફૅમિલી’, 1985.