પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૨૧
 


ઑર્ગેનિસ્ટ ફાન ડૅન ઈડન અને એના મૃત્યુ પછી એના અનુગામી નીફે પાસેથી સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવન સાત વરસનો થયો ત્યારે 1777માં તેના પિતાએ તેને એક પ્રાથમિક શાળામાં ભણવા મૂકેલો. પણ ભણવામાં તેનું દિલ ચોંટ્યું નહિ. એક જ વરસમાં બીથોવને શાળા છોડી દીધી. એને ગાવાનો શોખ હતો. 1778ના માર્ચની છવ્વીસમીએ પિતા જોહાને તેની પાસે પહેલી જ વાર કોલોન શહેરના એક જાહેર જલસામાં ગવડાવ્યું. બાળ બીથોવનની સંગીતની આવડતથી પ્રભાવિત થઈને ઈલેક્ટરે તેને સંગીતનું શિક્ષણ આપવાની ગોઠવણ કરી. દરબારી ઑર્ગેનિસ્ટ હીન્રીખ ફાન ડેર ઈડન અને તેનો મદદનીશ ટોબિયાસ ફ્રીડિરિખ ફીફર બીથોવનના ઑર્ગન શિક્ષકો બન્યા. ફ્રાન્ઝ જ્યૉર્જ રેવાન્તિની બીથોવનનો વાયોલિન શિક્ષક બન્યો. સાત વરસની ઉંમરથી જ બીથોવન પિયાનોવાદનના જાહેર જલસા કરી શકે તેટલો નિષ્ણાત થઈ ચૂકેલો. થોડો વખત તો તેણે નીફેના મદદનીશ તરીકે પણ કામ કરેલું, અલબત્ત, પગાર વગર જ. 1784માં ચૌદ વરસની ઉંમરે બીથોવનની નિમણૂક ઈલેક્ટરના ઑર્કેસ્ટ્રા અને કોયરમાં આસિસ્ટન્ટ કોર્ટ ઑર્ગેનિસ્ટ તરીકે થઈ. પણ એવામાં જ ઈલેક્ટર મૅક્સ ફ્રીડરિખનું મૃત્યુ થયું અને એની જગ્યા લેનાર નવો ઈલેક્ટર મૅક્સિમિલિયન ફ્રાન્ઝ ભારે કરકસરિયો જીવ નીકળ્યો. સંગીત અને નાટકની સેવા આપતા બધા જ કર્મચારીઓને એણે ચાર અઠવાડિયાંનો ઍડ્‌વાન્સ પગાર ચૂકવીને છૂટા કરી દીધા; તેથી થિયેટર અને ઑર્કેસ્ટ્રા બંધ પડ્યાં. પણ બીથોવનની આસિસ્ટન્ટ ઑર્ગેનિસ્ટની નોકરીને આંચ આવી નહિ. વળી એણે હવે ક્વચિત જ ઑર્ગન વગાડવાનું હોવાથી એની પાસે ફાજલ સમય પુષ્કળ હતો. એમાં એણે સંગીતનો અભ્યાસ જાતે જ કર્યો.

વિયેનાયાત્રા અને મોત્સાર્ટ સાથે મુલાકાત

એ વખતે પણ એને વિકાસ માટે બૉન નાનું પડેલું. 1787માં