પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૨૩
 

પેન્શન મળવું શરૂ થયું. પણ સમજદાર ઇલેક્ટરે પેન્શનની અડધી રકમ એ પિતાને તથા બાકીની અડધી ૨કમ પરિવારના નવા વડા તરીકે બીથોવનને આપવી શરૂ કરી. પણ એ અડધી રકમમાં બીથોવન પોતાનો પગાર ઉમેરતો ત્યારે ઘરના ખર્ચા ચૂકવી શકાતા. ઓગણીસ-વીસ વરસની આટલી નાની ઉંમરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડતાં એની જિંદગી તણાવગ્રસ્ત અને કઠિન બની. છતાં એ જ વખતે એને એની પોતાની મૌલિકતા, પ્રતિભા અને શક્તિનો પરચો થઈ ગયેલો. એણે આત્મીય મિત્રો પણ બનાવી લીધા. આ મિત્રોએ માત્ર એ વખતે જ નહિ, પણ ભવિષ્યમાં પણ ખૂબ મદદ કરી.

ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ અને સ્ટેફાન

બૉનમાં એ સમયે એક ખૂબ સંસ્કારી અને પ્રતિષ્ઠિત મહિલા રહેતી હતી. એનું નામ ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ. અઠ્ઠાવીસ વરસની ઉંમરે એ વિધવા થઈ હતી. એનો પતિ ફૉન બ્રૅનિન્ગ દરબારી સલાહકાર હતો અને મહેલમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ જઈને અવસાન પામેલો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ પૈસેટકે ખૂબ સંપન્ન હતી અને એક સરસ ઘરમાં પોતાનાં ચાર બાળકો સાથે રહેતી હતી. એ ચારમાંથી એક સ્ટેફાન વાયોલિનિસ્ટ રીઝનો શિષ્ય હતો અને એ જ વખતે બીથોવન પણ રીઝનો શિષ્ય હતો. આ બંને શિષ્યો તરત જ પાક્કા દોસ્ત બની ગયા. સ્ટેફાન 1774માં જન્મેલો એટલે બીથોવન કરતાં ચાર વરસ નાનો હતો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગને ઘરે હવે બીથોવનની અવરજવર રોજિંદી થઈ પડી. ઊંડી અને કેળવાયેલી રુચિ ધરાવતી ફ્રૉઉ સંયમશીલ અને ચારિત્ર્યવાન હતી. એનો બીથોવન પર ઊંડો પ્રભાવ પડ્યો. એ બીથોવનને દીકરો જ ગણતી. પહેલી વાર કોઈ ઉમદા ચરિત્ર ધરાવનાર બુઝુર્ગનાં વાત્સલ્ય અને હૂંફ બીથોવનને મળ્યાં. મૂડી, જિદ્દી અને અક્કડ બીથોવનને કૂણી કુમાશનો અનુભવ પહેલી વાર થયો.