પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
મોત્સાર્ટ અને બીથોવન
 

કાઉન્ટ વૉલ્સ્ટીન

એ દિવસોમાં બીથોવનને બીજો પણ એક દિલોજાન દોસ્ત મળ્યો. એ હતો ઉદાર દાનેશ્વરી ફર્ડિનાન્ડ ઍર્ન્સ્ટ ગૅબ્રિયલ કાઉન્ટ વૉલ્સ્ટીન. ઑસ્ટ્રિયાના એક ખૂબ શ્રીમંત-અમીર ખાનદાનનો એ યુવાન નબીરો હતો. એ 1762માં જન્મેલો એટલે બીથોવનથી આઠ વરસ મોટો હતો. ઑસ્ટ્રિયાથી 1787માં એ બૉન આવેલો ત્યારે એનો બીથોવન જોડે ભેટો થઈ ગયેલો. એ સંગીતના ગાઢ પ્રેમમાં હતો એટલું જ નહિ, એ એક ઉત્તમ ગાયક અને વાદક હતો અને બીથોવનની કલાનો મહા આશિક હતો. બીથોવનમાં આકાર લઈ રહેલી અસાધારણ પ્રતિભાનો સૌ પહેલાં અણસાર એને જ આવેલો. સત્તરથી એકવીસ વરસની ઉંમરના બીથોવનની કારકિર્દીને ઘાટ આપનારાં ચાર વરસો દરમિયાન એણે જ પોતાના પાકીટમાંથી નાણાંની નદીઓ વહેવડાવીને અને પોતાની ઓળખાણો દ્વારા બીથોવનની સફળતાના માર્ગમાં પથરાયેલા કંટકો દૂર કર્યા. અને તેથી જ ગરીબ અને દારૂડિયા કુટુંબના સંતાન બીથોવનને શ્રીમંતો પોતાને ત્યાં માનપૂર્વક નોતરતા.

પ્રથમ વાર પ્રેમમાં અને પ્રારંભિક પ્રતિભા

પોતાની બે શિષ્યાઓ જિનીટ હોન્રાથ અને મારિયા ફાન વેસ્ટર્હોલ્ડ સાથે બીથોવન ઊંડા પ્રેમમાં પડ્યો. પણ જિનીટ ગ્રેથને પરણી ગઈ અને મારિયા બૅરોન ફ્રિડરિખ ફૉન એલ્બર્ફેલ્ટને પરણી ગઈ.

1791માં વીસ વરસની ઉંમરે જ એક અસાધારણ પિયાનિસ્ટ તરીકે બીથોવનની મોટી નામના થઈ. પણ હજી સુધી એની મૌલિક કૃતિઓ – કમ્પોઝિશન્સ – માત્ર મૅન્યુસ્ક્રિપ્ટ્સમાં જ કેદ હતી; એનું ગાયન-વાદન-મંચન થયેલું નહિ. છતાં વિચારવંત સંગીતરસિયાઓથી એ સાવ અજાણી નહોતી કારણ કે ઘણા હાથોમાં એ ફરી આવેલી. એ રસિયાઓને તો એ સંગીત સાંભળ્યા વિના માત્ર એ મૅન્યુસ્ક્રિપ્ટ્સ