પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
મોત્સાર્ટ અને બીથોવન
 


રહી હતી. કૃતિની નીચે તારીખ નાંખવાની બીથોવનને ટેવ હતી જ નહિ. વધારામાં એને એવી ટેવ હતી કે કૃતિ શરૂ ભલે આજે કરી હોય, પણ એને પડતી મૂકીને છેક બેત્રણ કે ચારપાંચ વર્ષે ફરી હાથમાં લે, અને એ પૂરી કરતાં તો કદાચ એથી પણ વધુ લાંબો સમય લે. વળી, એ પૂરી થાય એટલે તરત જ છપાઈ જાય એ પણ જરૂરી નહિ હોવાને કારણે કૃતિના સર્જન અને પ્રકાશન વચ્ચે ઘણી વાર ખાસ્સો ગાળો રહેતો. પણ એટલા પુરાવા મળે છે કે 1798-99માં એણે ‘થ્રી ટ્રાયોઝ ફૉર સ્ટ્રિન્ગ્સ’ (ઓપસ 9), પાંચ પિયાનો સોનાટાઝ (ઓપસ 10 અને 14), ‘પિયાનો સોનાટા પૅથેટિક’ (ઓપસ 13), ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 12), પિયાનો કન્ચર્ટો નં. 1 અને નં. 2 તથા પહેલી સિમ્ફની લખ્યાં. પહેલી સિમ્ફનીનો પ્રીમિયર શો 1800ના જૂનની બીજીએ થયો.

‘મૂનલાઇટ સોનાટા’

1800માં એણે બૅલે ‘ધ મૅન ઑફ પ્રોમિથિયુસ’, છ ક્વાર્ટેટ્સ (ઓપલ 18), સેપ્ટેટ (ઓપસ 30), પિયાનો સોનાટા ઇન B ફ્લેટ (ઓપસ 22), પિયાનો કન્ચર્ટો નં. 3 ઇન C માઇનોર, અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઓલિવ્ઝ’ લખ્યાં. 1801માં બે વાયોલિન સોનાટા (ઓપસ 23 અને 24), ચાર પિયાનો સોનાટા ઇન A ફ્‌લૅટ (ઓપસ 26), ઇન E ફ્‌લૅટ (ઓપસ 27), ઇન C શાર્પ માઇનોર (ઓપસ 28) અને ઇન D મેજર (ઓપસ 28), ક્વિન્ટેટ ઇન C મેજર (ઓપસ 29) ઉપરાંત બીજી પણ કૃતિઓ લખી. એમાંથી પિયાનો સોનાટા ઇન C શાર્પ માઇનોરને પછીથી ‘મૂનલાઇટ’ને નામે પ્રસિદ્ધિ મળી. એ નામ ખુદ બીથોવને તો નહોતું જ આપ્યું. પ્રાર્થનાવેદી પર ઘૂંટણીએ પડીને બીમાર પિતાની તબિયત માટે પ્રાર્થના કરતી છોકરીનું વર્ણન કરતી કવિ સૂમીની એક કવિતા ઉપરથી આ સોનાટા બીથોવનને સૂઝેલો. પછીથી એણે પોતાની શિષ્યા