પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૩૯
 

ઉત્પન્ન કરવાના ધંધામાં એ કેવી રીતે ચાલે ? મારા દુશ્મનો તો મારો સફાયો કરી નાંખશે ! હું સડેલી જિંદગી જીવું છું. મારા અસ્તિત્વ પર હું ફિટકાર વરસાવું છું. હું મને ધિક્કારું છું. ઈશ્વરે સર્જેલ સૌથી વધુ દુ:ખી આત્મા હું છું. પણ વેજિલર ! આ રહસ્ય કોઈને પણ કહીશ નહિ, તારી પત્ની-(એલિનોર ફૉન બ્રૂનિન્ગ)ને પણ નહિ.

અદાકારો શું બોલે છે તે સાંભળવા માટે અને સંગીતકારો શું ગાય છે, વગાડે છે તે સાંભળવા માટે થિયેટરમાં પહેલી હરોળમાં એણે બેસવું પડતું. મિત્રોને એ કહેતો નહિ કે સંભળાતું નથી, તેથી મિત્રો આગળ સાંભળવાનો ઢોંગ કરીને એ માત્ર ડોકું જ હલાવતો ! પ્રત્યાઘાતો નહિ મળવાને કારણે મિત્રો હવે એવું માનવા લાગ્યા કે એને મિત્રોનો કંટાળો આવે છે અથવા એ શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક થઈ ગયો છે અથવા તો જીવન પ્રત્યે અને નિર્વેદ જાગ્યો છે ! 1802માં બીથોવન એક શિષ્ય રીસ સાથે વિયેના નજીક આવેલા જંગલ ‘વિયેના વુડ્સ’માં લટાર મારી રહ્યો હતો. નજીકમાં એક ભરવાડ જાતે બનાવેલી વાંસળી વગાડી રહ્યો હતો. શિષ્ય રીસે એની ૫૨ બીથોવનનું ધ્યાન દોર્યું. પણ બીથોવનને કશું સંભળાયું જ નહિ ! એની તદ્દન રડમસ, નિરાશ અને હતાશ હાલત થઈ ગઈ.

ધ હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ

હતાશ બીથોવને એ ઉનાળો વિયેનાની પડખે આવેલા અને રળિયામણી વનરાજિથી ઘેરાયેલા ગામ હિલીજેન્સ્ટાટમાં વિતાવ્યો. અહીં રમ્ય પ્રકૃતિનું સાન્નિધ્ય હતું, તો સાથે સાથે વિયેના પણ સાવ ઢૂંકડું હતું. તેથી ડૉક્ટરને બતાવવા વિયેના આવવું પણ સહેલું હતું. આ ગામમાં બીથોવને જહેમતપૂર્વક એક દસ્તાવેજ તૈયાર કર્યો જે હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ નામે ઓળખાયો. એના બે ભાઈઓને સંબોધેલો આ દસ્તાવેજ એણે કદી એમને મોકલ્યો નહિ. એના