પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૪૫
 


મારી દેવી, મને હમણાં જ ખબર પડી કે અહીંથી પોસ્ટમૅન રોજ ટપાલ લઈ જાય છે. એટલે આ કાગળ લખવો બંધ કરી જલદી પોસ્ટ કરું છું જેથી તને એ આજે મળી જાય. શાંત થા, ઠંડા દિમાગે વિચાર કરીને જ આપણે બંને સાથે રહી શકીએ. શાંત થા ! મને પ્રેમ કર ! મને પ્રેમ કરતી રહેજે ! તારા હૃદયના શ્રેષ્ઠ ચાહક મારા વિશે ગેરસમજ કરીશ નહિ.
હંમેશાં તારો

હંમેશાં મારો

હંમેશાં આપણા બંન્નેનો

બીથોવન
 




આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ કોણ હતી ? કાગળોમાં સંબોધન સ્પષ્ટ નથી. એ શોધવા માટે અસંખ્ય સંશોધકોએ અથાક પ્રયત્નો કર્યા છે. કેટલાક માને છે કે એ કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડી હતી. એ 1801માં બીથોવનની શિષ્યા હતી ત્યારે બીથોવન એના ઊંડા પ્રેમમાં પડેલો એ વાત તો નક્કી જ છે. એ વખતે 1801માં એ સત્તર વરસની હતી. અને એ જ વર્ષે બીથોવન એને પહેલી વાર મળેલો. બીથોવન ભલે તેના ઊંડા પ્રેમમાં તરત પડી ગયો પણ ગિયુલિટાને તો તેના પ્રત્યે માત્ર ગાઢ મિત્રતા અને અહોભાવ જ હતાં. ઉનાળાની એક રાતે ગિયુલિટા સમક્ષ બીથોવને જ્યારે મુનલાઇટ સોનાટા પિયાનો પર વગાડ્યો ત્યારે ગિયુલિટાએ બીથોવનને પોતાનો એક નિર્ણય જણાવ્યો : રૂપાળા અને દેખાડવા જુવાન કાઉન્ટ ગાલેન્બર્ગ સાથે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની હતી. આ સાંભળી બીથોવન સળગી ઊઠ્યો, ક્રોધાવેશમાં એણે બરાડા પાડવા માંડ્યા અને રસ્તા પર એ દોડવા માંડ્યો. ગિયુલિટાની કઝીન થેરિસા ફૉન બ્રૂન્સ્વિકને મળીને બીથોવને આ વાત કરી. ગિયુલિટાના કાઉન્ટ ગાલેન્બર્ગ સાથેના લગ્નપ્રસંગે બીથોવન હાજર રહેલો, પણ તેણે ઑર્ગન પર શોકસંગીત વગાડી આનંદમંગલના પ્રસંગના રંગમાં ભંગ પાડેલો !