પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૪૭
 

કાગળોમાં માત્ર જુલાઈ છ અને જુલાઈ સાત એવી જ તારીખો છે, વરસનો કોઈ જ ઉલ્લેખ નથી. છઠ્ઠી જુલાઈએ સોમવાર હોય એવાં વર્ષો માત્ર આટલાં જ હતાં : 1795, 1801, 1807 અને 1812. છતાં બીથોવનનો જીવનકથાકાર થૅયર માને છે કે આ કાગળો 1806માં જ લખાયા હોવા જોઈએ; કારણ કે એ જ વર્ષે એ બ્રૂન્સ્વિકના પ્રેમમાં હતો. થૅયરના મત અનુસાર કાગળોમાં ખોટી તારીખો નાંખવાની બીર્થોવનને આદત હતી. થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને ભણવામાં અવ્વલ નંબર હતી. બીથોવન એના પ્રેમમાં પડ્યો ત્યારે થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ચોવીસ વરસની હતી. એ પછી બીથોવન એની નાની બહેન જોસેફાઇનના પ્રેમમાં પડ્યો. બિચારી જોસેફાઇને પોતાની મરજી વિરુદ્ધ 1799ના જૂનમાં વૃદ્ધ કાઉન્ટ જોસેફ ડેઇમ સાથે પરણવું પડેલું ! લગ્નના ત્રણ જ મહિનાને અંતે એ વૃદ્ધ પતિ મરી પરવાર્યો ! બીથોવને ફરીથી જોસેફાઇન તરફ પ્રેમભરી નજર નાંખી. પણ સ્વર્ગસ્થ પતિથી સગર્ભા જોસેફાઇનના જીવનનું ધ્યેય હવે એક જ હતું : મૃત પતિના સંભારણા સમા બાળકનો ઉછેર, માવજત અને સારસંભાળ. બીથોવનને લાલબત્તી ધરતાં જોસેફાઇને લખ્યું :

હું હૃદયપૂર્વક તને ચાહું છું. મને હજી જાણ થાય તે પહેલાં જ તારા સંગીતે મને તારા તરફ ખેંચીને તારી બનાવી મૂકેલી. તારા ઉમદા વ્યક્તિત્વ અને મારા પ્રત્યેના તારા પ્રેમને કારણે મારો પ્રેમ વધુ ગાઢ બન્યો. આ પ્રેમ મારા જીવનનું એક અણમોલ રત્ન બની રહેશે; તારો પ્રેમ જો શારીરિક વાસનાથી અલિપ્ત હોય તો તો ખાસ. હું તને શારીરિક પ્રેમ હરગિજ આપી નહિ શકું. પવિત્ર બંધન ફગાવીને હું તારી પાસે આવી શકીશ નહિ. મારી ફરજોનું પાલન કરતી વેળા હું વધુ યાતના અનુભવું છું એટલું તને ભાન થાય તો સારું. હું જે પગલાં લઉં છું તેની પાછળ ઉમદા હેતુ રહેલા છે.