પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૫૧
 


‘ફૉસ્ટ’ ઉપરથી જો કોઈએ સારો લિબ્રેતો તૈયાર કરી આપ્યો હોત તો તેણે એના પર જરૂર ઑપેરા લખ્યો હોત. ‘ફિડેલિયો’ના પ્રીમિયર શો માટેના ઑવર્ચરથી અલગ જ એવા એ ઑપેરા માટેના ત્રણ નવા ઓવર્ચર્સ એણે પછીનાં વર્ષોમાં અલગ અલગ સમયે લખેલા.

1806ની પાનખરમાં વિયેનાના દરબારી થિયેટર સમક્ષ બીથોવને એક દરખાસ્ત મૂકી : વિયેના દરબાર અને બીથોવન એકબીજા સાથે એક કૉન્ટ્રેક્ટ કરે અને એ કૉન્ટ્રેક્ટ અનુસાર પ્રત્યેક વર્ષે બીથોવન એ થિયેટરને એક ઑપેરા અને એક ઑપેરેટા*[૧] લખી આપે. બદલામાં થિયેટર બીથોવનને વાર્ષિક 2,400 ફ્‌લોરિનની રકમ ચૂકવે. આ દરખાસ્ત તરત જ ફગાવી દેવામાં આવી. પણ એ જ દરબારના એક સભ્ય અને થિયેટરના ડાયરેક્ટર પ્રિન્સ ઍસ્ટર્હેઝીએ બીથોવન પાસે એક માસ માંગ્યો, અને એણે માસ લખી આપ્યો.

નવસર્જન

1806, 1807 અને 1808માં બીથોવને નવી કૃતિઓ લખી : ચોથી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ. રૌદ્ર રસ, વીરરસ અને ઉદ્વેગથી છલકાતી પાંચમી સિમ્ફની ‘ફેઇટ નૉકિન્ગ ઍટ ધ ડૉર’ના લાડકા નામે જાણીતી બની છે. માનવી સાથે સંતાકૂકડી રમતી નિયતિ આ સિમ્ફનીનો વિષય છે. છઠ્ઠી સિમ્ફની ‘પૅસ્ટોરેલ’ નામે જાણીતી બની છે. ગોપજીવનના અદ્‌ભુત રસને એમાં કેન્દ્રસ્થાને મૂક્યો છે. વિયેના ખાતેનો શ્રીમંત રશિયન ઍમ્બેસેડર કાઉન્ટ રેઝૂમોવ્સ્કી સૂઝ-સમજવાળો સંગીતનો મહારસિયો જ માત્ર નહોતો પણ એક ઉમદા વાદક પણ હતો. વિયેના ખાતેના પોતાના મહેલમાં એણે ચાર વાદકોના અંગત જૂથ ‘ક્વાર્ટેટ’ની રચના કરેલી. (એમાંથી એક વાદક તો એ પોતે જ હતો.) એણે બીથોવન પાસે ચાર વાદકો માટેની


  1. *નાનો, એકાંકી ઑપેરા.