છેલછબીલો વરણાગિયો બની ગયેલો; મોંઘાંદાટ ફૅશનેબલ વસ્ત્રો અને ટાપટીપની પળોજણોમાં ગળાડૂબ થઈ ગયેલો. એ જ વર્ષે થેરેસા માલ્ફાતીને એણે લગ્નની દરખાસ્ત કરેલી, પણ સત્તર વરસની માલ્ફાતીએ ચોખ્ખી ના જ સંભળાવેલી. એ પછી બીથોવને મૅરી બિગોટ અને ઍમિલી ફૉન સેબાલ્ડ સાથે પોતાના નસીબનો મેળ બેસાડવા દાણા ચાંપી જોયા. પણ એ બે છોકરીઓએ પણ એને ઠુકરાવ્યો.
બૅટિના ફૉન ઍર્નિમ
એ ત્રણ છોકરીઓ પછી વારો આવ્યો બૅટિના ફૉન ઍર્નિમનો. 1810માં જ એ બંને મળેલાં. એ પણ દેખાવડી હતી. બીથોવનના જીવનકથાકારોએ બધી જ છોકરીઓ ઉપર કરેલું ગહન સંશોધન આ બૅટિના ઉપર પણ કર્યું છે. બૅટિના સારી લેખિકા હતી. ગથેની સાથે એ પત્રવ્યવહાર કરતી. ગથે પણ એની તરફ આકર્ષાયેલો. પણ બીથોવન જોડે બૅટિનાનો સંબંધ ખૂબ જ ટૂંકા ગાળામાં આત્મીય થઈ ગયેલો, એમ બૅટિનાના ગથે પરના પત્રોથી જાણવા મળે છે. જોકે, એમાં પોતાની ભાષા પરની પકડ દ્વારા મૂળ વાતને જરા બહેકાવીને લખ્યું હોય એવું કેટલાકનું માનવું છે. પત્રો બીથોવનના મૃત્યુ પછી બાર વરસે 1839માં એક જર્મન સામયિકમાં છપાયેલા. એમાંના એક પર બીથોવને પણ સહી કરી છે. બૅટિના ફૉન ઍર્નિમ તો એ છોકરીના લગ્ન પછીનાં નામ-અટક છે. એનું પિયરનું નામ હતું – એલિઝાબેથ બ્રેન્ટાનો. એ બીથોવનના મિત્ર ક્લેમેન્સ બ્રેન્ટાનોની બહેન હતી.
બીથોવન અને ગથે
બીથોવન અને ગથે ઘણાં લાંબા સમયથી એકબીજાને મળવાની તમન્ના સેવી રહેલા. ટૅપ્લીટ્ઝ ખાતે બીથોવન અને ગથે 1812માં પહેલી વાર મળ્યા. મુલાકાત પછી ગથેએ પત્નીને લખ્યું :