પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
મોત્સાર્ટ અને બીથોવન
 

ઇચ્છાનુસા૨ના અર્ધવાલીપણાના અધિકારમાંથી તગેડી મૂકવાની તજવીજ શરૂ કરી. ભાભીએ 1818માં એક લફરું કરેલું ખરું. એ બદચલન વર્તનને આગળ ધરીને એણે કોર્ટમાં જઈને ભત્રીજાના પૂરેપૂરા – એકમાત્ર – વાલી તરીકે પોતાને નિયુક્ત કરતો ઑર્ડર મેળવી લીધો ! ભત્રીજો તો બિચારો એ વખતે માત્ર નવ જ વરસનો હતો. એ માતાને મળી શકે જ નહિ તે માટે શક્ય હતાં તે બધાં જ વિઘ્નો બીથોવને ઊભાં કર્યાં ! એણે ભત્રીજાને પહેલાં તો વિયેનાની એક રેસિડેન્શિયલ સ્કૂલ ‘જિયાનેટાસિયો દેલ રિયો’માં દાખલ કર્યો પણ પછી એમાંથી ઉઠાવી લઈને એક કૉન્વેન્ટ સ્કૂલમાં મોકલી આપ્યો અને પછી તો એને એમાંથી પણ ઉઠાવી લઈ ઘરમાં પોતાની સાથે રાખ્યો. ઉપરાંત એ બાળકના મનમાં એની મા વિશે ગંદું ઝેર રેડ્યું ! મા વિશે ગંદાં વિધાનો બોલવા માટે એને પ્રોત્સાહન આપ્યું. ભત્રીજાના આવા વિચિત્ર વર્તનથી તો પેલી કૉન્વેન્ટના શિક્ષકો અને પ્રિન્સિપાલ પણ ત્રાસી ચૂકેલા કારણ કે એ બાળક તો પોતાના સહપાઠીઓ ઉપર પોતાની કડવી વાણી વડે ખરાબ અસર ફેલાવી રહેલો. ભાભીએ કોર્ટમાં પોતાના પુત્રના પૂરેપૂરા અને એકમાત્ર વાલીપણાના અધિકાર અને ઉછેરની જવાબદારી માટે અરજી કરી. બે મહિના સુધી કોર્ટમાં સુનાવણી થયા બાદ કાજીએ એ બિચારી માતાની અરજી ફગાવી દીધી. પણ એ પછી બીજા બે મહિનાના અંતે બાળક કાર્લ મહાન સંગીતકાર કાકાથી ત્રાસી જઈને અને ભાગી જઈને પોતાની મા પાસે જઈ પહોંચ્યો, અને આખો મામલો ફરી એક વાર કોર્ટ સમક્ષ આવ્યો.

ભત્રીજાના મનમાં મા વિશે ઝેર રેડવાની વૃત્તિ તેમ જ પોતાની એકલવાયી પ્રકૃતિને કારણે તેમ જ કુંવારા હોવાને કારણે એકલહાથે જ બાળકનો ઉછેર કરવા માટે બીથોવન અસમર્થ હતો. એ પોતાના ઘરગથ્થુ વ્યવહારોને જ મહાપરાણે સંભાળી શકતો. નોકરોને તોછડાઈથી ગાળો ભાંડવા માટે અને બધા જોડે ઝઘડી પડવાની