પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
મોત્સાર્ટ અને બીથોવન
 

 હોય તો સંગીતના વિશાળ ફલક પર કામ કરવાની તક પણ સાંપડતી. હંગેરીના જમીનદાર પરિવાર ઍસ્ટર્હેઝીએ પોતાના વતનની હવેલીમાં એક સરસ અને મોટા ઑર્કેસ્ટ્રાની માવજત કરેલી. એના ડાયરેક્ટર જોસેફ હાયડનને એ ઑર્કેસ્ટ્રાને કારણે સંખ્યાબંધ સિમ્ફની, કન્વર્ટો, ક્વાર્ટેટ અને ક્વીન્ટેટ રચવાની તક મળેલી. એ જ રીતે વિયેનાની મહારાણી મારિયા થેરેસાના દરબારી સંગીતકાર વાજેન્સિલને પણ મૌલિક સંગીત સર્જવાની તક મળેલી.

વાદક અને કંપોઝર તરીકેની લિયોપોલ્ડની શક્તિઓ તરત વિકસી, પરિણામે તેને ત્રણ જ વરસમાં - 1743માં સાલ્ઝબર્ગના રાજા આર્ચબિશપ સિગિસ્મુન્ડ (કાઉન્ટ ફૉન થ્રેટન્બૅક)ના ઑર્કેસ્ટ્રામાં વાયોલિનિસ્ટ તરીકે નોકરી મળી. 1763માં એ ઓર્કેસ્ટ્રામાં એ વાઇસ કપેલમઈસ્ટર (કન્ડક્ટર) બન્યો. પણ હેડ કપેલમઇસ્ટર(હેડ કન્ડક્ટર)નો હોદો તેની તેંતાળીસ વરસની નોકરીમાં ચાર વાર ખાલી પડવા છતાં રાજાએ એ હોદ્દા પર લિયોપોલ્ડને કદી ગોઠવ્યો નહિ. એની જવાબદારીમાં વાયોલિન અને ક્લેવિયર*[૧] શીખવવાનું પણ સામેલ હતું. વળી, ખાનગી ટ્યૂશન આપવા માટે તેને પરવાનગી મળેલી.

નાનકડું સાલ્ઝબર્ગ સાવ ગામડા જેવું પછાત હતું. ત્યાંની પ્રજાને પણ સંગીતમાં ઝાઝી દિલચસ્પી નહોતી. 1756માં સાલ્ઝબર્ગમાં મોત્સાર્ટ જન્મ્યો એ જ વર્ષે લિયોપોલ્ડે વાયોલિન કેવી રીતે વગાડવું એ વિશે ‘વાયોલિન સ્કૂલ’ નામે ભાષ્ય લખેલું. વાયોલિનના અભ્યાસ માટે આજે પણ તે પ્રમાણભૂત ગ્રંથ છે. છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી એનું પુનર્મુદ્રણ થતું રહ્યું એટલી એની લોકપ્રિયતા હતી. લિયોપોલ્ડે એક કંપોઝર તરીકે પણ થોડી નામના મેળવી. એના ક્વાર્ટેટ અને કન્ચર્ટો પ્રકાશિત થયા જે ખ્યાતિ પામ્યા.


  1. * હાર્પીસ્કોર્ડ અને પિયાનોફોર્તે એ બંને વાજિંત્રો માટે ક્લેવિયર શબ્દ વપરાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં હાર્પીસ્કોર્ડનું ચલણ વ્યાપક હતું, પણ એ સદીના ઉત્તરાર્ધમાં એનું સ્થાન પિયાનોફોર્તેએ લીધું.