પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૧૭
 


કમાયા વગર છૂટકો જ નહોતો. પણ સંગીતજલસાનું વળતર યજમાન રોકડમાં આપવાને બદલે મોટે ભાગે તો ઝવેરાત કે ઘડિયાળ જેવી કિમતી જણસમાં ચૂકવતો. ભલે ગમે તેટલી કીમતી એ જણસ હોય, પણ માથે ચઢેલાં બિલ ચૂકવવામાં એ જણસ તત્કાળ સહેજે મદદરૂપ થતી નહિ. વળી, એવું પણ નહોતું કે મોત્સાર્ટને હંમેશાં આદર્શ શ્રોતા મળી જ રહેતા. 1778ના મેની પહેલીએ મોત્સાર્ટે એક કાગળમાં લખ્યું છે : “ખુરશીઓ, ટેબલો અને દીવાલો માટે મેં સંગીત વગાડ્યું.” રાજવી શ્રોતાઓ ઘણી વાર ચાલુ સંગીતે ખાણીપીણી અને ટોળટપ્પાં કરી સંગીત અને સંગીતકારનું અપમાન કરતા.

ફ્રાંક્ફૂર્ટના એક છાપામાં 1763ની ત્રીસમી ઑગસ્ટે લિયોપોલ્ડે એક જાહેરાત છપાવેલી :

સાલ્ઝબર્ગ રાજદરબારનાં કપેલમઈસ્ટરનાં બે નાનકડાં બાળકોએ પોતાની આવડતથી બધા જ શ્રોતાઓને અચંબામાં નાંખી દીધા છે. એથી એમના જલસા વારંવાર યોજવા પડે છે. શ્રોતાઓના ઉમળકાને કારણે જ એક છેલ્લો જલસો આજે ત્રીસમી ઑગસ્ટની સાંજે છ વાગ્યે શૅર્ફ હૉલમાં યોજ્યો છે. માત્ર બાર વરસની નાનકડી બાળા જ નહિ, પણ છ વરસનો બાળક*[૧] આંખે પાટા બાંધીને મહાન કંપોઝરોના સૌથી વધુ અઘરા ટુકડા વગાડી બતાવશે. પછી શ્રોતાઓ જે કોઈ અવાજ કરશે તે અવાજને દૂરથી તરત જ પારખી જઈ તેનો ચોક્કસ સ્વર કહી દેશે. અને છેલ્લે કોઈ જાણીતી કૃતિને ઑર્ગન પર શીઘ્રસ્ફુરણાથી ઈમ્પ્રુવાઈઝ કરશે. પ્રવેશમૂલ્ય : એક જણનો એક નાનો થેલર.

એ સાંજે આ જલસામાં ચૌદ વરસના નાનકડા છોકરડા ગથેએ સાત વરસના બાળ મોત્સાર્ટનું સંગીત સાંભળેલું. સાડત્રીસ વરસ પછી પણ ગથેને સુંદર પોશાકમાં માથે ભવ્ય વિગ સાથે શોભતો રૂપાળો ને સ્માર્ટ દેખાતો બાળ મોત્સાર્ટ યાદ હતો.


  1. * હકીકતમાં મોત્સાર્ટ એ વખતે સાત વરસ પૂરાં કરી ચૂકેલો.