પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૧૯
 

 પિયાનો વગાડવાનું બંધ કરતો અને મોત્સાર્ટ શરૂ કરતો તેની ખબર શ્રોતાઓને પડતાં વાર લાગતી. પણ જ્યારે એ ખબર પડતી ત્યારે ખૂબ આશ્ચર્ય થતું. આ મિત્ર વિશે મોત્સાર્ટે લખેલું : “હું એને દિલથી ચાહું છું.” ‘ધ ફિલોસૉફિકલ ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ રૉયલ સોસાયટી'માં મોત્સાર્ટ અંગે ડેઈન્સ બૅટિન્ગ્ટન 1770માં લખે છે :

આઠ વરસનો છોકરો છ ફૂટ ઊંચો હોય એમ માની શકાય ખરું? આ પણ એક એવો જ કિસ્સો છે.... બે ગાયકો અને ત્રણ વાદકો એમ પાંચ ભાગીદારો માટેની એક ક્વીન્ટેટ રચનાની મૅન્યુસ્ક્રિપ્ટ મેં એને આપી. ત્રણ વાદકો પાસે બે વાયોલિન અને એક બાસ વાયોલિન હતાં તથા બે ગાયકોમાં એક પુરુષ અને એક સ્ત્રીની જરૂર હતી. જે બ્રિટિશ સંગીતકારે એ રચના તૈયાર કરેલી એ સહેજ પણ જાણીતો નહોતો, બ્રિટનની બહાર તો ચોક્કસ નહિ જ. એટલે જર્મન મોત્સાર્ટે એ રચના જોઈ કે સાંભળી હોય તે સંભવ નહોતો. સ્ત્રી અને પુરુષનું ગાન કાઉન્ટર ટેનર ક્લૅફમાં હતું; સ્ત્રીના અવાજે સતત ઊંચાં તાર સપ્તકોમાં ગાવાનું હતું. સ્કોરને ડેસ્ક પર મૂકી બાળસહજ પાતળા સ્ત્રૈણ અવાજમાં મોત્સાર્ટે ઊંચાં સપ્તકોમાં વિહરવું શરૂ કર્યું. પિતા લિયોપોલ્ડે ઘોઘરા મર્દાના અવાજમાં મંદ્ર સપ્તકોમાં જુગલબંધી કરવી શરૂ કરી. લિયોપોલ્ડે ગાતાં ગાતાં બે વાર ભૂલ કરી, તેથી મોત્સાર્ટે ગાતાં ગાતાં જ આંખો કાઢીને પિતા સામે જોઈ પ્રકોપ ઠાલવ્યો. વળી, ગાતાં ગાતાં જ એ બંનેએ બે વાયોલિન વગાડવાં શરૂ કર્યા. બંને ગાતા જાય અને સાથે વગાડતા જાય. માત્ર ખેરખાં જ આ રીતે બે કામ એકસાથે કરી શકે. એ પૂરું થયું એટલે એવી કોઈ બીજી રચના મારી પાસે હોય તો મોત્સાર્ટે માંગી. મેં ના પાડી. એની સર્જનપ્રક્રિયા વિશે જણાવતાં એણે કહ્યું કે મધરાતે જો કોઈ સ્ફ્રુરણા થાય તો તત્કાળ હાર્પિસ્કોર્ડ પર બેસી જઈ એને વગાડતાં મઠારી લેતો અને પછી મૈન્યુસ્ક્રિપ્ટમાં સ્કોર લખી લેતો. કોઈ શીઘ્રસ્ફુરિત પ્રેમગીત