પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૨૫
 


બાકેરિની અને સામાર્તિનીનું સંગીત મોત્સાર્ટે સાંભળ્યું. સોળમી ડિસેમ્બરે પિતાપુત્ર સાલ્ઝબર્ગ પાછા ફર્યા. દરમિયાન નૅનર્લે ઘરમાં સંગીતનાં ટ્યૂશનો આપી કમાણી કરવી શરૂ કરેલી.

આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો

ઘેર પાછા ફર્યા એ જ દિવસે લિયોપોલ્ડનો માલિક સિગિસ્મુન્ડ અવસાન પામ્યો. એને સ્થાને 1772ની ચોવીસમી માર્ચે ચાળીસેક વરસનો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો આવ્યો. મોત્સાર્ટના ઓગણીસમી સદીના જીવનકથાકારોએ એને ખૂબ દુષ્ટ, ક્રૂર ખલનાયક ચીતર્યો છે. એણે મોત્સાર્ટ માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી કરેલી એ વાત સાચી પણ મોત્સાર્ટના ચુંબકીય સંગીતની માયામાં ફસાયા વિના આધુનિક જર્મન ઇતિહાસકારો સાચી હકીકત શોધી શક્યા છે. હિરોનિમસ એક ઉમદા માણસ હતો. એની પ્રજા એને ધિક્કારતી એ વાત સાચી, પણ એનું કારણ તો એ હતું કે ઉત્સાહપૂર્વક ઝડપી સુધારા એ અમલમાં મૂકતો. સંગીત અને કલાની એને સૂઝ નહોતી એવા લિયોપોલ્ડના અભિપ્રાય પર મદાર બાંધવા જેવો નથી. પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવા આડે જે કોઈ અડચણરૂપ બને એને દુષ્ટાત્મા તરીકે પત્રોમાં ચીતરવાની લિયોપોલ્ડને બૂરી આદત પડી ગયેલી. ચીફ કપેલમઇસ્ટરના પદ પર પોતાને નહિ પણ પહેલાં ફિશિયેતી તથા પછી લોલીની નિમણૂક થતાં લિયોપોલ્ડ નારાજ થઈ ગયેલો. પોતાની ઉંમર તથા લાંબા સમયની નોકરીને ધ્યાનમાં લેતાં એ પદ માટે એ પોતાને જ સૌથી વધુ લાયક માનતો. પણ નવો આર્ચબિશપ હિરોનિમસ શા માટે એને બઢતી આપીને એ પદ પર મૂકે ? દીકરાની કારકિર્દીના ઘડતર માટે થઈને લિયોપોલ્ડ તો સતત વર્ષો સુધી ચાલુ પગારે રજા પર રહેતો, અને છતાં રજાની નવી અરજીઓ મૂકતો જ રહેતો ! સાલ્ઝબર્ગમાં નહોતું એનું દિલ ચોંટતું કે નહોતો એનો પગ ટકતો.