પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મોત્સાર્ટ અને બીથોવન
 


હિરોનિમસે મોત્સાર્ટની કદર કરી. એણે મોત્સાર્ટ પાસે નવો ઈટાલિયન ઑપેરા માંગ્યો. ‘ઇલ સોન્યો દિ સ્કિપિયોન’ (સ્કેિપિયોનું સ્વપ્ન)*[૧] નામનો એ ઑપેરા 1772ના એપ્રિલમાં ભજવાયો. પ્રસન્ન હિરોનિમસે ‘કૉન્ઝર્ટમઇસ્ટર’ મોત્સાર્ટને વર્ષે 150 ગલ્ડનનો પગાર આપવો ચાલુ કર્યો.

વળી પાછા ઇટાલી

1772ના ઑક્ટોબરની ચોવીસમીએ પિતાપુત્ર ઇટાલીની ત્રીજી યાત્રાએ નીકળી પડ્યા. ચોથી નવેમ્બરે એ બંને મિલાન પહોંચ્યા. છવ્વીસમી ડિસેમ્બરે મોત્સાર્ટનો નવો ઇટાલિયન ઑપેરા ‘લુચિયો સિલા’ ભજવાયો. તરત જ લિયોપોલ્ડે સાલ્ઝબર્ગ કાગળો લખીને તેની ભવ્ય સફળતાની ડંફાસો મારી. પણ હકીકત સાવ ઊંધી જ હતી. સાલ્ઝબર્ગના દરબારીઓ અને સંગીતકારો આગળ મોત્સાર્ટની સફળતાનાં બગણાં ફૂંકવાની એને આદત હતી.

પાદરી માર્તિની (1706-1784)

બોલોન્યામાં ચોસઠ વરસના ખ્યાતનામ પાદરી જિયોવાની બાતીસ્તા માર્તિનીને મોત્સાર્ટ મળ્યો. એ પ્રખર ગણિતજ્ઞ તેમ જ સંગીતજ્ઞ હતો. એ મોત્સાર્ટ પર વારી ગયેલો. એણે મોત્સાર્ટનું પોર્ટ્રેટ ચિતરાવડાવી પોતાની પાસે રાખ્યું. એણે મોત્સાર્ટનો પરિચય જૂના ઇટાલિયન સંગીતકારોની હસ્તપ્રતો(મૅન્યુસ્ક્રિપ્ટ્સ)થી કરાવ્યો. મોત્સાર્ટ પાસે કાઉન્ટરપૉઈન્ટની અનેક કસરતો કરાવી. મોત્સાર્ટના ફ્‌યુગ્સ+[૨]થી એ રાજી થયેલો. મોત્સાર્ટને ‘ગોલ્ડન સ્પર’ મળે માટે એણે જ પોપને ભારપૂર્વક ભલામણ કરેલી. મહાન ઇટાલિયન સંગીતકાર ઑલેન્દો દિ લાસો અને જર્મન સંગીતકાર ગ્લકને ‘ગોલ્ડન સ્પર’ ખિતાબ મળ્યા એ પછી એ ખિતાબ મેળવનાર પહેલો સંગીતકાર મોત્સાર્ટ હતો.


  1. * લિબ્રેતો : મેતાસ્તાસિયો.
  2. + ફ્યુગ : એકથી વધુ કાઉન્ટરપૉઇન્ટ વડે રચાતી સંકુલ કૃતિ