પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૨૭
 

 સમગ્ર જીવન દરમિયાન આ ખિતાબનો દેખાડો મોત્સાર્ટે કરેલો નહિ. પોતાની સહીની ઉપર કે નીચે અથવા નામની આગળ કે પાછળ તેણે એની કદી જાહેરાતો કરેલી નહિ. હા, એક અપવાદ છે જેની વાત આપણે આગળ જોઈશું. ગ્લક અને તેની પત્ની તો આ ખિતાબની શક્ય તેટલી જાહેરાતો કરતાં થાકતાં જ નહોતાં ! ઇટાલિયન યાત્રા દરમિયાન મોત્સાર્ટે બોલોન્યા નજીક મોટી જાગીર ધરાવતા યુવાન કાઉન્ટ પાલાવિચિની સાથે તથા હમઉમ્ર પ્રખર નિપુણ વાયોલિનિસ્ટ થોમસ લીન્લે સાથે દોસ્તી કરેલી. રોમમાં મોત્સાર્ટે સોળમી સદીના ઇટાલિયન સંગીતકાર ગ્રેગારિયો એલેગ્રીની કૃતિ ‘મિસેરેરે’ સાંભળી. વેટિકનના સિસ્ટાઈન ચૅપલની માલિકીની આ કૃતિની નકલ કરવા પર કડક મનાઈ હતી. એ સાંભળતી વખતે કાગળ પર ઉતારી લેવામાં ઘણા સંગીતકારો અત્યાર સુધી નિષ્ફળ ગયેલા. મોત્સાર્ટે માત્ર બે જ શ્રવણમાં કોટની બાંયના કફમાં સંતાડેલા કાગળ પર આ આખી કૃતિ ઉતારી લીધી. ઈટાલીની યાત્રા દરમિયાન જ મોત્સાર્ટે તેનો એક ઉત્તમ મોટેટ ‘એક્સુલ્તાતે જુબિલાતે’ લખ્યો. કાસ્ત્રાતી વેનાન્ઝિયો રોઝિની માટે લખેલા આ મોટેટમાં અંગારાની માફક ઝગારા મારતા સ્વરોની રમઝટ સાંભળવા મળે છે. મોત્સાર્ટના સંગીતનો પ્રસાર થાય, એની નામના વધુ વ્યાપક બને અને ખાસ તો રૉયલ્ટીની આવક ઊભી થઈ શકે તે હેતુથી 1771માં લિયોપોલ્ડ લિપ્ઝિકના પ્રકાશક બ્રીટકૉફનો દાણો ચાંપી જોયેલો. મોત્સાર્ટના સંગીતનું પ્રકાશન કરવાની દરખાસ્ત મૂકતાં લિયોપોલ્ડે તેને કાગળમાં લખેલું : “તમને ઠીક લાગે તેવું કોઈ પણ પ્રકારનું અને ઘાટઘૂટનું સંગીત મોત્સાર્ટે કંપોઝ કર્યું છે. તમારે માત્ર કહેવાનું જ રહેશે કે તમારે શું જોઈએ છે.” બ્રીટકૉફે કોઈ જ જવાબ આપેલો નહિ. તેથી થયું એવું કે મોત્સાર્ટના જીવતે જીવ મોત્સાર્ટનું મોટા ભાગનું વાદ્યસંગીત માત્ર ત્યારે જ વગાડવામાં આવતું કે જ્યારે ખુદ મોત્સાર્ટ તેને વગાડતો હોય કે કન્ડક્ટ કરતો હોય;