પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
મોત્સાર્ટ અને બીથોવન
 


એ સિવાય નહિ જ. 1772માં તત્કાલીન જર્મન સંગીતની ચર્ચા કરતા એક લેખમાં ડૉ. બર્નીએ લખેલું : “ઉત્તમ કરતાં પણ બહેતર હોય એવા સમય કરતાં વહેલા તૈયાર થઈ ગયેલા ફળનું એક ઉદાહરણ એ મોત્સાર્ટ છે.” મોત્સાર્ટ વાયોલિન અને પિયાનો બંને વગાડવામાં નિપુણ હોવા છતાં તેને પોતાના પિયાનોવાદનમાં વધુ મજા પડતી હતી, વળી વિયેનાનિવાસના જીવનના છેલ્લા દસકામાં તેણે કદી વાયોલિન વગાડેલું નહિ. લિયોપોલ્ડને આ હકીકતનો રંજ હતો. સાલ્ઝબર્ગથી એક કાગળમાં લિયોપોલ્ડે મોત્સાર્ટને લખેલું : “ભીંત પર લટકતું તારું વાયોલિન મૂરઝાઈ રહ્યું છે.” વાયોલિન માટેની જે કૃતિઓમાં માધુર્ય અને લાવણ્યનો અભાવ હોય તે મોત્સાર્ટને પસંદ નહોતી. 1777માં વિખ્યાત વાયોલિનિસ્ટ ફ્રાન્ઝલને વાયોલિન માટેની ખૂબ અઘરી કૃતિઓ વગાડતો સાંભળ્યા પછી મોત્સાર્ટે તેને કહેલું : “મુશ્કેલીઓ માટે મને કોઈ જ પ્રેમ નથી.”

પિતાપુત્ર 1773ના માર્ચની તેરમીએ સાલ્ઝબર્ગ પાછા ફર્યા. એ પછી એક વાર અઢી મહિનાના પ્રવાસને અને બીજી વાર ત્રણ મહિનાના પ્રવાસને બાદ કરતાં મોત્સાર્ટ 1777 સુધીનાં ચાર વરસ સુધી સાલ્ઝબર્ગમાં જ રહ્યો, અને સર્વ પ્રકારના ઘાટઘૂટમાં એણે વિપુલ માત્રામાં સંગીતસર્જન કર્યું. ત્રણ સુંદર સિમ્ફનીઓ No. 25 (k 183), No. 28 (k 200) તથા No. 29 (k 201) અને પિયાનો કન્ચર્ટો No. 5 (k 175) એમાં શ્રેષ્ઠ છે.

1773માં લિયોપોલ્ડને કાને વાત આવી કે વિયેના રાજદરબારનો કપેલમઈસ્ટર ગૅસ્માન માંદગીને બિછાને છે, એટલે એ પદ ઉપર પોતાની નજર ચોંટી. એ દીકરાને લઈને જુલાઈમાં વિયેના પહોંચ્યો અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહ્યો. પણ ગૅસ્માન તો છેક જાન્યુઆરીમાં અવસાન પામ્યો અને એની જગ્યા જૉસેફ બોનો નામના એક વિયેનીઝ સંગીતકારને મળી. લાગે છે કે દીકરા માટે થઈને