પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૨૯
 

 લિયોપોલ્ડ ફરી એક વાર લાલચનાં ઝાંઝવાંમાં ફસાયેલો. પણ મોત્સાર્ટને તો વિયેનાયાત્રાથી ફાયદો જ થયો. એ શહેર એ વખતે ઇટાલિયન અને જર્મન ગાયકો, વાદકો, ઑર્કેસ્ટ્રા કન્ડક્ટર્સ, કોયર કન્ડક્ટર્સ, કવિઓ, નાટ્યકારો, સંવાદલેખકો અને અભિનેતાઓથી ઊભરાતું હતું. મોત્સાર્ટને ઘણી મોટી માત્રામાં નવું સંગીત સાંભળવા મળ્યું.

1774ના શિયાળામાં બેવેરિયાના ઈલેક્ટરે મોત્સાર્ટને એક ઇટાલિયન કૉમિક ઓપેરા લખી આપવાનું કામ આપ્યું. 1775માં યોજાનારા મ્યુનિખ કાર્નિવલમાં આ ઑપેરા ભજવાય એવી એની ખ્વાહિશ હતી. આ માટે બાપદીકરો 1774ના ડિસેમ્બરની છઠ્ઠીએ સાલ્ઝબર્ગ છોડી નીકળી પડ્યા અને બીજે જ દિવસે મ્યુનિખ પહોંચી ગયા. તેરમી જાન્યુઆરીએ મોત્સાર્ટનો ઓપેરા ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’ ભજવાયો અને શ્રોતાઓને એ ગમ્યો. ખુશ થઈને મોત્સાર્ટે ઘેર મંમીને કાગળ લખ્યો : “ગઈ કાલે એ પહેલી જ વાર ભજવાયો અને એને એટલી જબરજસ્ત ચાહના મળી કે તાળીઓના ગડગડાટનું વર્ણન હું કરી શકું એમ નથી. મંમી, અમે જલદી સાલ્ઝબર્ગ પાછા નહિ જ આવીએ. મંમી, તારે એવી આશા રાખવી પણ નહિ જોઈએ. ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું મારે માટે કેટલું અગત્યનું છે તે તો તું જાણે જ છે ને !” (જાન્યુઆરી 14, 1775). પ્રવાસે નીકળેલો હિરોનિમસ કોલોરાડો જાન્યુઆરીમાં મ્યુનિખમાં આવેલો. તેને કાને મોત્સાર્ટનાં વખાણ પડેલાં. ‘ડચ રિવ્યૂ’ નામના સામયિકમાં સી.એફ.ડી. શુબાર્ટ નામના વિવેચકે ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’નો રિવ્યુ કરેલો : “પ્રતિભાશાળી મોત્સાર્ટનો ઑપેરા બુફા મેં સાંભળ્યો. આટલી નાની ઉંમરે સ્વાભાવિક રીતે જ એનું સંગીત ઉન્નત શિખરે નથી પહોચ્યું. પણ, એક દિવસ સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારોમાં મોત્સાર્ટ અચૂક સ્થાન મેળવશે જ.” આ ઑપેરાનો લિબ્રેતો ગ્વીસેપે પેત્રોસેલિનીએ લખેલો. ઈલેક્ટરે મોત્સાર્ટ પાસે એક મોટેટ માંગ્યો;