પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મોત્સાર્ટ અને બીથોવન
 


લોકપ્રિયતા મળી નહિ. કેટલાકનું માનવું છે કે સળંગ ગંભીર-કરુણ ઑપેરામાં મોત્સાર્ટ સદંતર નિષ્ફળ ગયો છે. એનું મહાન સંગીત ટ્રેજેડી અને કૉમેડીના મિશ્રણથી સર્જાતી જીવનની બલિહારીને સ્ફુટ કરવામાં મદદરૂપ થયું છે.

1781 ના જાન્યુઆરીમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસાનું અવસાન થતાં આર્ચબિશપને વિયેના જવું પડ્યું અને પછી ત્યાં જ લાંબું રોકાણ કરવાના સંજોગો પેદા થતાં એણે પોતાના ઑર્કેસ્ટ્રાને પણ ત્યાં જ બોલાવી લીધો. એટલે મોત્સાર્ટ પણ સહકાર્યકરો સાથે સાલ્ઝબર્ગ છોડી વિયેના ગયો. અહીં માલિક આર્ચબિશપ સાથે એ સંઘર્ષમાં મુકાતો ગયો. જૂના જીવનકથાકારોએ આ આર્ચબિશપને એક દુષ્ટ અને નપાવટ રાક્ષસ ચીતરવામાં કોઈ કસર છોડી નથી. એ વાત ખરી છે કે આર્ચબિશપની સંગીતવિષયક રૂચિ પૂરેપૂરી ઇટાલિયન હતી, છતાં એ હકીકતને સમર્થન આપતા પૂરતા પુરાવા પણ છે કે એણે મોત્સાર્ટની એક કંપોઝર તરીકે પૂરી કદર કરેલી.

દરબારી દૃષ્ટિકોણથી તો લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બને તદ્દન નાલાયક નોકરો હતા કારણ કે એ બંનેની નજર દરબારની બહારની તક ઝડપી લેવા પર જ હંમેશાં ચોંટી રહેતી. સંગીત વડે દરબારનું મનોરંજન કરવાની એમને ઝાઝી દરકાર નહોતી. ગમે ત્યારે લાંબી રજા મૂકી ગાયબ થઈ જવામાં એ બંને પાવરધા થઈ ગયેલા. લિયોપોલ્ડને રજા મળતી બંધ થઈ ગઈ એ પછી એ યાત્રા પર ગયેલા પુત્ર સાથે પત્રવ્યવહારથી સંપર્કમાં રહેતો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રો રમૂજી છે, એમાં ગંદી બીભત્સ ગાળોનો હાસ્યપ્રેરક ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. એ પત્રવ્યવહારમાં આર્ચબિશપ અને એના દરબારીઓ અંગેની કુથલીઓને એ બંને એવી પ્રતિકાત્મક મિતાક્ષરી ભાષામાં મૂકતા કે રખે ને કાગળ કોઈ ત્રાહિતના હાથમાં આવે તો એ તો કાંઈ સમજી શકે જ નહિ! દાખલા તરીકે આર્ચબિશપનું ગુપ્ત