પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૪૩
 


આર્ચબિશપ : (પ્રખર ક્રોધમાં) સાલો રખડેલ, ઠગ, નાલાયક ધુતારો ! આજે જો તું આ સંપેતરું લઈ સાલ્ઝબર્ગ નથી ગયો તો તને નોકરીમાંથી પાણીચું આપીશ.

મોત્સાર્ટ : તમને મારાથી સંતોષ હોય એમ લાગતું નથી !

આર્ચબિશપ : સામો જવાબ આપે છે ! આ રહ્યો દરવાજો, અત્યારે જ ચાલતી પકડ ! તારું ડાચું કદી મને બતાવીશ નહિ ! તને જે પગાર મળે છે એને માટે તું તદ્દન નાલાયક છે. ચાલ, નીકળ અહીંથી !

થોડા દિવસો સુધી મોત્સાર્ટે વિયેનામાં અહીંતહીં ભટક્યા કર્યું. એટલામાં આર્ચબિશપનો ગુસ્સો શાંત થઈ જતાં એ ભલો આત્મા તો ગઈ ગુજરી ભૂલી જઈને સમાધાનના મૂડમાં આવી ગયેલો. હજી સુધી એણે મોત્સાર્ટની વિધિવત્ છટણી કરેલી નહિ. પણ અકડુ મોત્સાર્ટને તો નોકરી કરવી પાલવે એમ જ નહોતું. એ ધીરે ધીરે વિયેનામાં પોપ્યુલર બની રહેલો. એને શ્રીમંત વિદ્યાર્થીઓ પણ મળ્યા. વિયેનામાં ફ્રી લાન્સ ધોરણે ઉજ્જવળ કારકિર્દીની તક દેખાઈ. એક ઊગતા યુવાનને પોતાની શક્તિઓ પર વિશ્વાસ પાકો થવા માંડ્યો. પણ એ હજી એટલો અણઘડ હતો કે માલિકથી સલૂકાઈપૂર્વક છૂટા પડતાં એને આવડ્યું નહિ. નોકરીને લાત મારવાના અવિચારી પગલા પર ફરીથી વિચાર કરવા માટે બિચારો લિયોપોલ્ડ પત્રો લખીને આજીજી કરતો રહ્યો. પણ મોત્સાર્ટ પોતાની શક્તિ પર મુસ્તાક હતો. એણે તો એવી આત્મશ્રદ્ધા કેળવેલી કે પોતાને કરેલી સજાના ભાગ રૂપે આર્ચબિશપ પિતાને પણ નોકરીમાંથી પાણીચું આપે તોપણ એને ચિંતાનું કારણ નહોતું – પોતે કુટુંબનો ભાર ઉપાડી લઈ શકશે.

આર્ચબિશપના ઘરમાં પાછા પ્રવેશી મોત્સાર્ટે પોતાનો સામાન બાંધ્યો અને રાજીનામાનો પત્ર તૈયાર કર્યો. આર્ચબિશપનો સેક્રેટરી કાઉન્ટ આર્કો પણ સમાધાન કરાવી આપવા માટે ખૂબ ઉત્સુક હતો.