પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
મોત્સાર્ટ અને બીથોવન
 


એક સજ્જનને છાજે તેવી વર્તણૂક કરવી જોઈએ તે વિષય પર કાઉન્ટ આર્કોએ ઉપદેશ આપવો શરૂ કર્યો. વિયેનામાં સંગીતના ક્ષેત્રમાં ફ્રી લાન્સ કારકિર્દી કેટલી જોખમકારક રીતે અનિશ્ચિત છે તે અંગે તેણે ભાષણ આપવું શરૂ કર્યું. પણ એણે વાત શરૂ કરી ત્યાં જ મોત્સાર્ટે એનું પણ અપમાન કર્યું. પરિણામે ગુસ્સાથી સળગી ઊઠેલા સેક્રેટરીએ પગ વડે મોત્સાર્ટને લાત મારીને ઘરમાંથી બહાર ફેંકી દીધો અને પછી એનો સામાન પણ ફેંકી દીધો. મોત્સાર્ટનો અહમ્ ઑર ઘવાયો. પોતે વ્યાજ સાથે એ લાત પાછી વાળશે એમ ક્યાંય સુધી એ બબડતો રહ્યો. આ સમાચાર લિયોપોલ્ડને મળતાં તેણે મોત્સાર્ટને કડક ભાષામાં ઠપકો આપતો પત્ર લખ્યો અને આર્ચબિશપની માફી માંગી લઈ નોકરી પાછી મેળવવા આજીજી કરવા માટે આદેશ આપ્યો. મોત્સાર્ટ આ આદેશને ઘોળીને પી ગયો.

મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળ લખ્યો :

વિયેનામાં મને ચોમેર સન્માનની નજરે જોવામાં આવે છે. મારી પાસે સારા સંપર્કો છે. મુફ્‌તીને જો મારો ખપ નથી તો શા માટે મારે મુફ્‌તીના 400 ગલ્ડન માટે સડવું જોઈએ ? પૂરતા પ્રોત્સાહન કે પૈસા વિના શા માટે મારે સાલ્ઝબર્ગમાં બેસી રહેવું ? આખરે મને શું મળશે તેની તમને ખબર છે ? ખરાબમાં ખરાબ અપમાનો મારે ઠંડા કલેજે ગળી જતાં શીખવું પડશે. તમે થોડી ધીરજ રાખો તો વિયેના જવાથી આપણને શા ફાયદા થશે તે હું તમને સમજાવી શકીશ. હવે ચિંતા ખંખેરી નાંખો. આપણા સુખની આ જ તો શરૂઆત છે ! મારું સુખ એ જ તમારું સુખ પણ છે એમ હું માનું છું. સાલ્ઝબર્ગમાં હું કોઈ પણ હિસાબે રહેવા માંગતો નથી. (મે, 1781)

એવામાં મોત્સાર્ટે ‘ઝૈદે’ નામનો ઑપેરા લખવો શરૂ કરેલો, પણ તે અધૂરો જ રહ્યો.