પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૪૭
 

બંનેનો ગુજારો થશે. અત્યારે એકલો છું એટલે વગર વિચાર્યે જે બિનજરૂરી ખર્ચા કરું છું તે લગ્ન પછી સદંતર બંધ થઈ જશે. જોજો, ચોંકી ના ઊઠતા, પણ એ વેબર કુટુંબની જ દીકરી છે. એ આલોઈસિયા નથી, એ તો જુઠ્ઠી છે. એ જૉસેફા પણ નથી, એ આળસુ છે. મને ગમી છે કૉન્સ્ટાન્ઝે. એ હોશિયાર, ચબરાક, ઉદાર ને દયાળુ છે. એને ઠઠારા નહિ, પણ સાદગી પસંદ છે. કરકસરથી ઘર ચલાવતાં એને આવડે છે. એની મમ્મી એની બહેનોને નવાં કપડાં અપાવે છે, પૈસા વાપરવા આપે છે પણ કૉન્સ્ટાન્ઝેને નહિ. કૉન્સ્ટાન્ઝે સાથે હું ખરેખર પ્રેમમાં છું. એની સાથેનો મારો સંબંધ માત્ર હસીમજાક નથી. જે બધી છોકરીઓ સાથે મેં હસીમજાક કરી છે એ બધી જોડે મારે જો પરણવું પડે તો તો મને સહેલાઈથી બસો પત્નીઓ મળી જાય ! કૉન્સ્ટાન્ઝેના વાલી જોહાન થોવાર્ટે એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો. લગ્નના કોલ આપી દીધા પછી હવે જો હું લગ્નના વચનમાંથી ફરી જાઉં તો મારે અમુક રકમ કૉન્સ્ટાન્ઝેને વળતર રૂપે ચૂકવવી પડશે એવું લખાણ તેમાં હતું. મેં તેની ઉપર મારી સહી કરી. આ દસ્તાવેજની જાણ જ્યારે કૉન્સ્ટાન્ઝને થઈ ત્યારે ક્રોધાવેશમાં તેણે તે ફાડી નાંખ્યો. કૉન્સ્ટાન્ઝે એક સારી છોકરી છે. એ કદરૂપી નથી, પણ તો રૂપાળી પણ નથી. એની બે ઘેરી આંખો અને એના શરીરની આકૃતિમાં એનું સૌંદર્ય સમાયેલું છે. એ એક પત્ની અને એક માતાની જવાબદારી ખૂબ જ સારી રીતે અદા કરશે. હવે તમે બોલો, મને આથી વધુ સારી પત્ની કેવી રીતે મળી શકે ?
તમારા આ આજ્ઞાંકિત પુત્રના તમારા બંને હાથને હજારો ચુંબન.

આ કાગળ વાંચીને લિયોપોલ્ડ તો ડઘાઈ ગયો અને નૅનર્લ પણ રાજી નહોતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વેબર પરિવાર કેટલો નપાવટ અને હીન છે એ સમજાવતા સંખ્યાબંધ પત્રો લિયોપોલ્ડે