પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
મોત્સાર્ટ અને બીથોવન
 


ગલ્ડનનો પગાર મળતો હતો. મોત્સાર્ટની શરૂઆત વર્ષે 800 ગલ્ડનના પગારથી થઈ.

બીથોવન સાથે મુલાકાત

એ જ વર્ષે માદરે વતન બૉન છોડી વધુ અભ્યાસાર્થે વિયેના આવેલા સત્તર વરસના બીથોવને મોત્સાર્ટ પાસે થોડા દિવસો સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવનની સંગીતકૃતિઓ અને પિયાનોવાદનથી પ્રભાવિત થઈ મોત્સાર્ટે એની ગેરહાજરીમાં પોતાના મિત્રો આગળ સાચી તારીફ કરેલી : “એક દિવસ આખી દુનિયાને મોઢે બીથોવનનું નામ રમતું હશે.” મોત્સાર્ટના પિયાનોવાદન વિશે બીથોવને અભિપ્રાય આપેલો : “એનો સ્પર્શ સુંદર છે, પણ જરા ખચકાતો છે; સુંવાળપ ગેરહાજર છે.” પણ બંને પરસ્પર કોઈ અસર કરી શક્યા નહિ.

1788ના ઉનાળામાં મોત્સાર્ટની સર્જકતાનો નવો ઉન્મેષ પ્રકટ્યો. ફ્રાંકફૂર્ટમાં નવા રાજા લિયોપોલ્ડ બીજાના રાજ્યાભિષેક સમારંભમાં એક મોત્સાર્ટ સિવાય વિયેનાના બધા જ સંગીતકારો આમંત્રિત હતા. છતાં, ગાંઠના પૈસા ખર્ચીને તે ફ્રાંકફૂર્ટ પહોંચ્યો. ત્યાં એણે પિયાનો કન્ચર્ટો નં. 26 (k 537, કોરોનેશન) તથા સાંભળતાં તરત જ ગ્લાનિ થાય એવો દર્દનાક એડાજિયો ઇન B માઈનોર (k 540) પિયાનો માટે લખ્યો. સાથે સાઢુભાઈ હોફર પણ હતો. અહીં ફ્રાન્કફૂર્ટમાં મોત્સાર્ટે પોતાના સંગીતનો એક જાહેર જલસો કર્યો જેમાં સાલ્ઝબર્ગના કાસ્ત્રાતી ચેચારેલીએ ગાયું. મોત્સાર્ટનો કોરોનેશન કન્ચર્ટો તેમાં વગાડવામાં આવેલો; ખુદ મોત્સાર્ટે જ પિયાનો વગાડેલો. બહારથી તો મોત્સાર્ટ હજી ખુશમિજાજ અને આનંદી હતો. એણે કૉન્સ્ટાન્ઝેને કાગળમાં લખ્યું : “મારે માટે તો બધું જ ઠંડુંગાર છે, બરફ જેવું જ ઠંડુંગાર ! તું મારી પાસે નથી માટે જ આમ છે. તને આ લખું છું ત્યારે અબી હાલ મારાં આંસુનાં ટીપાં આ કાગળને ભીંજવી રહ્યાં છે.