પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૬૭
 


તને બાથમાં જકડી લેવાની અદમ્ય વાસના જાગી છે.” મોત્સાર્ટના ઑપેરા ડોન જિયોવાનીની ભજવણી માટે રિહર્સલ્સની તજવીજ ફ્રાંકફૂર્ટમાં થઈ, પણ પછી એને પડતો મૂકી ડિટસ્‌ર્ડોર્ફનો કોઈ ઑપેરા ભજવાયો. ફ્રીમેસન સંપ્રદાયમાં ભળેલા શ્રીમંત વેપારી મિત્ર માઈકલ પુખ્બર્ગ માટે E મેજરમાં ટ્રાયો નં. 5 (k 542) લખ્યો. પણ ધીમે ધીમે મોત્સાર્ટ આર્થિક રીતે કંગાળ થઈ રહ્યો હતો અને દેવાના ભમ્મરિયા કૂવામાં વધુ ને વધુ ઊંડો ઊતરતો જતો હતો. ઉધાર પૈસા માંગવાની નછૂટકે આજીજી કરતા પત્રો એણે મિત્ર પુખ્બર્ગને લખ્યા; કોઈ પણ જાતનો રોફ બતાવ્યા વગર પુખ્બર્ગ પૈસા મોકલી આપતો. પોતે મોત્સાર્ટને આપેલા પૈસા પુખ્બર્ગ કદી પાછા માંગતો નહિ. એ જાણતો હતો કે પોતે આપેલી બધી જ લોન આખરે ભેટમાં પરિણમી શકે છે. એ પોતે વાઇનનો વેપારી હતો. મોત્સાર્ટના મૃત્યુ પછી પણ તેણે કદી પણ કૉન્સ્ટાન્ઝે પર લોન પરત કરવાનું દબાણ કરેલું નહિ. 1788ના ઉનાળામાં મોત્સાર્ટે પહેલી જ વાર પોતે ત્રાસરૂપ નિરાશા અનુભવી રહ્યો છે એ હકીકતનો સ્વીકાર પુખ્બર્ગને કાગળ લખીને કર્યો. એ નિરાશા માટે એક માત્ર જવાબદાર કારણ હતું – કારમી ગરીબી. પૈસાના બદલામાં મોત્સાર્ટે એને માટે ત્રણ ભવ્ય સિમ્ફનીઓ સર્જી : નં. 39 ઇન E ફૂલેટ (k 543), પછી દુઃખથી છલકાતી નં. 40 ઇન G માઇનોર (k 550) તથા ઉત્સાહથી છલકાતી નં. 41 ઇન C (k 551); અને સ્ટ્રિન્ગ ડાયવર્ટીમૅન્ટો (k 561). એવામાં જ કૉન્સ્ટાન્ઝેને એક પુત્રી જન્મી અને તરત મૃત્યુ પણ પામી.

મોત્સાર્ટનો મિત્ર બેરોન ફાન સ્વીટન સંગીતનો ખૂબ રસિયો હતો. ઓર્ગન માટે હૅન્ડલે લખેલું કેટલુંક સંગીત ફાન સ્વીટનની વિનંતીથી મોત્સાર્ટે ઓર્કેસ્ટ્રા માટે બેસાડી આપ્યું. મોત્સાર્ટના સંગીતના જલસામાં ફાન સ્વીટન સૌથી વધુ ટિકિટ ખરીદતો. 1789માં મોત્સાર્ટે હૅન્ડલનો ઓરેટોરિયો 'મસિહા’ સોલો કંઠ અને ઑર્કેસ્ટ્રા માટે