પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
મોત્સાર્ટ અને બીથોવન
 


ખૂંદતા ખૂંદતા પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી, શિષ્ય સુસ્માય૨, શીકેનેડ૨, જૉસેફાનો પતિ હોફર અને સ્વીટન મોત્સાર્ટના મૃતદેહને બે કલાકે સેંટ સ્ટીફન કથીડ્રલ લઈ ગયા. મૃતાત્માની શાંતિ માટે ટૂંકી પ્રાર્થના ફટાફટ પતાવીને પછી બીજો અડધો કલાક ફરી એનો બોજો ઊંચકીને ગરીબો માટેના સેંટ માર્ક્સ કબ્રસ્તાનમાં એક સામૂહિક ખાડામાં પધરાવી આવ્યા ! કૉન્સ્ટાન્ઝે ઘેર જ રહેલી, એ થાકેલી બિચારી આ બરફની ભયંકર આંધીમાં આવી શકેલી નહિ. (એ પછી સત્તર વરસે એણે 1808માં મૃત પતિનું કૉફિન શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરેલો; એ આજે પણ શોધી શકાય એમ નથી.) એના શોકમાં ચર્ચમાં સમૂહપ્રાર્થના યોજવાનું વિયેનાવાસીઓને સૂઝ્યું નહિ. પણ એની ચાહક અને એની પાછળ પાગલ નગરી પ્રાહાના નગરજનોએ એ પ્રાર્થના યોજી. એમાં મોત્સાર્ટની ફૅન ડુશેકે ગાયું અને એ રડી પણ ખરી.

મૃત્યુ પશ્ચાત્

મૃત્યુ વખતે મોત્સાર્ટ વિયેના દરબારનો પગારદાર નોકરિયાત હતો. એના વાર્ષિક 800 ગલ્ડનના પગારમાંથી એક તૃતિયાંશ 266+23 ગલ્ડનની રકમ કોર્ટે કૉન્સ્ટાન્ઝેને વાર્ષિક પેન્શન તરીકે ચૂકવવા દરબારને હુકમ કર્યો. આ રકમમાંથી અને મોત્સાર્ટના સંગીતની રૉયલ્ટીમાંથી એ પોતાનો અને પોતાનાં બે બાળકોનો સુખરૂપ ગુજારો કરી શકી. 1790થી એની પોતાની માલિકીનું મકાન પણ એની પાસે હતું. (એ પિયરમાંથી ભેટ મળેલું.) ધીમે ધીમે પ્રકાશકો મોત્સાર્ટની કૃતિઓ પ્રગટ કરવા માટે માગણી કરવા માંડ્યા. યુરોપભરમાં મોત્સાર્ટ માટે આદર અને પ્રશસ્તિ પ્રગટ થવા શરૂ થયાં તથા 1799માં પ્રકાશક આન્દ્રેએ મોત્સાર્ટની અપ્રકટ કૃતિઓના પ્રકાશન માટે કૉન્સ્ટાન્ઝેને 16,000 ગલ્ડન ચૂકવ્યા; છેક ત્યારે એને થોડી આછીપાતળી ઝાંખી થઈ કે એ કોઈ મહાન અને ભવ્ય માણસને પરણેલી ! હવે જ