પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો'
૧૦૩
 
અબૂલ અબ્બાસ અહમદ ઈબ્ને મુહમ્મદ
ઇબ્ને કસીર અલ ફરગાની

અબૂલ અબ્બાસ અહમદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને કસીર અલ ફરગાની નો જન્મ ફરગાના, ટ્રાન્સેક્સોનીયા (ઉઝબેકિસ્તાન)માં ઈ.સ. નવમી સદીમાં થયો હતો. પશ્ચિમી જગતમાં Alfarganus તરીકે ઓળખાય છે.

અબ્બાસી ખલીફા અલ મામૂનએ બગદાદમાં ઈ.સ. ૮૧૩ થી ૮૩૩ દરમિયાન કેટલાક આગળ પડતાં ખગોળશાસ્ત્રીઓને અને જ્યોતિષીઓને પોતાના દરબારમાં નીમ્યા હતા એમાંથી અલ ફરગાની એક હતા.

તેઓ ઈજનેર પણ હતા. ખલીફા અલ મુતવક્કીલે નાઈલ નદીમાંથી નહેર બાંધવાનો હુકમ આપ્યો હતો. એના જવાબદાર ઈજનેરોમાંથી અલ ફરગાની એક હતા અને એમણે અલ ફુસ્તાત (જૂનું કેરો શહેર) માં દેખરેખ રાખી હતી. ઈજનેરી કાર્યમાં જેટલો રસ હતો એના કરતા એમને ખગોળશાસ્ત્રમાં વધુ રસ પડતો હતો. તેથી ખલીફા અલ મુતવક્કીલ અવસાન થતા એ કાર્ય અટકી પડ્યું.

અબૂલ અબ્બાસ પથ્વીના પરિઘનો માપ કાઢનાર વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય હતા. એમણે પૂરમાપક યંત્ર અને સૌર ઘડિયાળ (Sundial) ની શોધ કરી હતી.

અલ ફરગાનીએ ખગોળશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ વિષયમાં એમણે ‘કિતાબ અલ ફુસૂલ ઈખ્તીયાર અલ મા જિસ્તી’ (અલ માજેસ્તનું સારાંશ) અને ‘કિતાબ અમલ અલ રૂખામાત’ (સૌર ઘડીયાળના નિર્માણ બાબતે છે.)

જો કે અલ ફરગાનીને ખ્યાતિ મળી એમના જયોતિષશાસ્ત્ર બાબતના ગ્રંથ 'જવામી ઈલ્મ અલ નૂજૂમ વલ હરકાત અલ સમાવીયા'થી. આ ગ્રંથમાં ફરગાનીએ ટૉલેમીક ખગોળના તત્વોની વિસ્તૃત માહિતી આપી છે. આમાં ગાણિતિક સૂત્રોની ભરમાર નથી. ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે, આજ કારણથી આ ગ્રંથને ભારે લોકપ્રિયતા મળી. અબૂલ સકર અલ કલીસી (મૃ. ઈ.સ. ૯૭૬)એ આનું વિવેચન પણ લખ્યું હતું.

આ ગ્રંથનું લેટીન ભાષાંતર સૌ પ્રથમ ૧૨મી સદીમાં પ્રકાશિત થયું હતું. બીજું ભાષાંતર જર્મન ભાષામાં ઈ. સ. ૧૫૩૭માં અને ત્રીજું ફ્રેંચ ભાષામાં ઈ.સ. ૧૫૪૬માં પ્રસિદ્ધ થયું હતું.