પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૦૯
 
અલ દમીરી

અબૂલબકા કમાલુદ્દીન મુહમ્મદ ઇબ્ને મૂસા અલ દમીરીનો જન્મ ઈસ ૧૩૪૧મા ઈજીપ્તના કેરોમાં થયો હતો. કુર્આનની તફસીર (વિવેચન), હદીસ, કાયદાશાસ્ત્રી, દર્શન સાહિત્ય અને પ્રાણીશાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હતા.

અલ દમીરી મૂળતો દરજી હતા પરંતુ સાહિત્યના શોખને લીધે તેઓએ ભણવાનો સંકલ્પ કર્યો અને ભણ્યા તો ખરા પરંતુ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અલ અઝહર વિશ્વવિદ્યાલયમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું !

એક શાફઈ કાયદાશાસ્ત્રીની રૂએ તેમણે અલનુવાયરીના ગ્રંથ 'મિન્હાજ અલ તાલીબીન’ પર 'અલ નજમ અલ વરહાજ ફી શરહ અલ મિન્હાજ' નામક ગ્રંથમાં ચાર ભાગમાં વિવરણ લખ્યું. હદીસ બાબતે એમણે અલદીબાજા અને સુનને ઇબ્ને માજાનું પાંચ ભાગમાં વિવરણ લખ્યું.

જો કે અલ દમીરીને ખ્યાતિ મળી એમના પ્રાણીશાસ્ત્ર સંબંધી ગ્રંથને લીધે. એમણે ‘કિતાબ અલ હયાત અલ હયવાન અલ કુબરા' પ્રાણીઓના જીવન સંબંધી ગ્રંથની રચના કરી જેને પ્રાણીશાસ્ત્રનાં વિશ્વકોષ સમાન ગણવામાં આવે છે. આમાં દરેક પ્રાણી વિશે એક એવા ૧૦૬૯ લેખો છે, જેમાં દરેક પ્રાણીનું નામ, કૂળ, પરંપરા, ખોરાક, ટેવો, પ્રાણીઓના દરેક અંગની ચિકિત્સા એમની ખાસિયતો ઉપરાંત એમના વિશેની કહેવતો, કુર્આન અને અરબી સાહિત્યમાં એમનો ઉલ્લેખ તથા સપનામાં કયું પ્રાણી દેખાય તો એની તાબીર (અર્થઘટન) શું થાય એ પણ દર્શાવ્યું છે !

આ ગ્રંથના તુર્કી, પર્શિયન અને વિશ્વની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ઊર્દૂ અનુવાદ પણ ઉપલબ્ધ છે.

ઈસ. ૧૪૦૫માં કેરોમાં અલ દમીરીનું અવસાન થયું.