પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

(૯)'તહદીદ નિહાયત અલ અમાકિન લી તશ્હીશ મશાફાત અલ મસાકીન' જમીલ અલીએ 'The Determinaiton of the coordinates of cities' નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

(૧૦)'અલ-તફનીમ' (Elements of Astrology) ખગોળશાસ્ત્ર વિશે છે.

(૧૧) 'કિતાબ અલ અયદાના' તબીબી શાસ્ત્રમાં ઉપયોગી ઔષધો વિશે છે.

અલ બિરૂનીએ એસટ્રોલેબ વિશે ઘણા પ્રબંધો લખ્યા હતા એમણે પ્રકાશની ગતિ વિશે રસપ્રદ અવલોકન કરતા જણાવ્યું હતું કે અવાજની ગતિ કરતા પ્રકાશની ગતિ વધુ હોય છે. અલ બિરૂની પ્રસિદ્ધ ફિલસૂફ, તબીબ અને વૈજ્ઞાનિક ઇબ્ને સીના સાથે પત્ર વ્યવહાર કરી ચર્ચા વિચારણા કરતા હતા. એમની ચર્ચાના મુખ્ય વિષય ફિલસૂફી, ખગોળશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન હતા.

અલ બિરૂનીને કેટલાક વિજ્ઞાન ઈતિહાસ લેખકો બહુ મહાન વૈજ્ઞાનિક માનતા ન હતા પરંતુ એક વાતતો બધા જ સ્વીકારે છે કે અલ બિરૂનીએ પોતાના અનુભવો અને અવલોકનોના આધારે જે કાંઈ રજૂ કર્યું એ ખૂબ ગણનાપાત્ર હતું. અલબિરૂનીએ રેખાંશ અને અક્ષાંશ બાબતે જણાવ્યું અને કુદરતી ઝરણા વિશે વિશ્વમાં સૌ પ્રથમવાર એ પુરવાર કર્યું કે ધરતીના પેટાળમાં થતા વિદ્યુત - રાસાયણિક પ્રક્રીયાને લીધે તેઓ ઉદ્દભવે છે. એમણે પૃથ્વીની ત્રિજયા ૬૩૩૯.૬ કિમી છે એવું શોધી કાઢ્યું હતું, જેના વિશે છેક ૧૬મી સદી સુધી યુરોપિયનોને જાણકારી ન હતી ! એમણે નદીઓ ને સમુદ્રની ઊંડાઈ માપવાની પધ્ધતિ પણ વિકસાવી હતી. આ ઉપરાંત સંખ્યાબંધ જડીબુટીઓના ઔષધીય ગુણોની શોધ કરી વિભિન્ન ભાષાઓમાં એમના નામ જણાવ્યા હતા. અલ બિરૂની એ જ મુસ્લિમ વૈજ્ઞાનિક હતા જેમણે એ શોધી કાઢ્યું હતું કે સિંધુ નદીના ખીણ પ્રદેશ કોઈ પ્રાચીન છીછરા સમુદ્રનું તળિયું હતું જે ધીમે ધીમે માટીથી ભરાઈ ગયું હતું. આધુનિક ભૂસ્તરશાસ્ત્ર અલ બિરૂનીની આ શોધનું સમર્થન કરે છે. ઈ.સ. ૧૦૪૮માં અલ બિરૂનીનું અવાસન થયું તેઓ ઇસ્લામી વિશ્વના મહાન વૈજ્ઞાનિક હતા. આમ, બિરૂનીનું વિવિધ વિષયોમાં પ્રદાન મહત્વનું ગણાતું રહેશે.

અલ બિરૂનીએ પોતાના સુવિખ્યાત પુસ્તકમાં લખ્યું છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને તેમણે એ બાબતની વિગતે વૈજ્ઞાનિક છણાવટ પણ કરી હતી.