પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

સૂર્યગ્રહણના અવલોકનોના આધારે ચંદ્રની ગતિનો વેગ માપવાનો પ્રયાસ કર્યો હતો. અલ બત્તાનીએ ઘણા ખગોળીય અચલાંકો ચોક્કસતાપૂર્વક શોધ્યા હતા. દા.ત. સૂર્યકક્ષાનું નમ ૨૩°૩પ', અલ બત્તાનીએ ગોળાકાર ત્રિકોણમિતિના ઘણા પ્રશ્નો Orthographics projection (જોડણી પ્રક્ષેપ) ની મદદથી શોધવાના ચાતુર્યભર્યા ઉકેલ આપ્યા હતા. અલ બત્તાનીના સ્થિર તારાઓની ગતિના સિદ્ધાંતો ઉપરથી જ હેવિલીયસે ચંદ્રની વર્તુળાકાર ગતિનું તફાવત શોધ્યું હતું.

અલ બત્તાનીએ એ પણ પુરવાર કર્યું કે સૂર્યની ફરતે પૃથ્વી જે ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે એ વર્તુળની જેમ એકદમ ગોળ નથી પરંતુ ઈંડાની જેમ લંબગોળ આકારની છે. આથી જ પૃથ્વીની પ્રદક્ષિણા દરમિયાન એક સ્થિતિ એવી આવે છે જ્યારે સૂર્ય પૃથ્વીની સૌથી વધુ દૂરના અંતરે હોય છે.

અલ બત્તાનીને સૌથી વધુ ખ્યાતિ તો ત્રિકોણમિતિના ગુણોત્તરોને લીધે મળી. એમણે ગ્રીક Chord ના બદલે Sine નો ઉપયોગ કર્યો અને Cotangent ની વિભાવના વિકસાવી તથા એમના કોષ્ટકો અંશોમાં રચ્યા.

જોસેફ હેલે યોગ્ય જ નોંધ્યું છે "ત્રિકોણમિતિ ક્ષેત્રે sine, cosine અને tangent નો સિદ્ધાંતો આરબોનો જગતને વારસો છે. આરબ ગણિતશાસ્ત્રીઓના પાયાના અને સંશોધનરૂપ શ્રમ વિના આપણે રેજીઓ મોન્ટેનઅના પ્યુરબાક કે કોપરનીક્સના કાર્યોને યાદ રાખી શક્યા ન હોત" !

અલ બત્તાની ભૂમિતિ, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એમણે ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિ વિશે ઘણા ગ્રંથો લખ્યા. એમનું સૌથી પ્રસિદ્ધ ગ્રંથ ખગોળશાસ્ત્રીય કોષ્ટકો વિશે છે જેનું લેટીન અનુવાદ ૧૨મી સદીમાં ટીવોલીયાના પ્લેટોએ De scienta stellarum - De Numeris stellarum et motibus નામે કર્યું હતું. આમાં પાંચ ગ્રહોની ગતિ તથા બીજી આવશ્યક ગણતરીઓ આપી છે. "ડીક્ષનરી ઑફ સાયન્ટીફીક બાયોગ્રાફીકસ' ના સંપાદકો નોંધે છે કે "તારાઓ અને એમની ગતિના પૃથાવલોકન કરવામાં આટલી ચોકસાઈ સુધી બીજો કોઈ મુસ્લિમ ખગોળશાસ્ત્રી પહોંચી શકયો ન હતો."

એમના ખગોળશાસ્ત્રીય પ્રબંધો પનુ:જાગૃતિકાળ સુધી યુરોપમાં ખૂબજ પ્રચલિત અને ચર્ચાસ્પદ હતા અને એમનો ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ચંદ્ર પર એક ખાડા (crater) નું નામ અલ બત્તાનીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે.