પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૧૯
 

દૃષ્ટિથી જોતા આવ્યા છે. તેમના ચારસો વર્ષ પછી ઇબ્ને ખલ્દુને આને યંત્ર વિદ્યામાં ‘'સીમાચિહ્નરૂપ' ગણાવ્યું હતું આ પુસ્તકમાં સૌથી વધુ વિવિધ દેશી યંત્રોના 'મોડેલ' રેખાકૃતિઓ દ્વારા વર્ણવવામાં આવ્યા છે. અર્વાચીન યુગના ઈજનેર ડૉનાલ્ડ આર. હીલ કે જેમણે બનૂ મૂસાના પુસ્તકનું અનુવાદ કર્યું છે એ લખે છે કે યંત્રવિજ્ઞાનમાં આ પુસ્તક આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ખલીફા મામૂન રશીદે જે ઘડિયાળ ફ્રાન્સના તત્કાલીન શાસકને ભેટમાં મોકલી હતી તે એહમદ બિન મૂસાનું જ સંશોધન હોવાનું ઇતિહાસકારો માને છે.

એહમદ બિન મુસા શાકિરે કદમાં નાના અને નાજુક યંત્રોની રચના કરી હતી. તેઓ એક સારા સિવિલ એન્જિનીયર પણ હતા અને ગણિતશાસ્ત્રમાં પણ નિપુણતા ધરાવતા હતા.

અબૂ જાફર મુહમ્મદ બિન મૂસા શાકિર (હિસ. ૨૫૩/ઇસ ૮૭૨)ને ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં વધુ રસ હતો. અને પ્રખર જ્ઞાન ધરાવતો હતો. તેણે કોઈ પણ બે પરિમાણો વચ્ચે બે પ્રમાણસરની સંખ્યાઓ જાણવાની સરળ રીત શોધી કાઢી હતી, જેના લીધે ગણિત અને ખાસ કરીને આંકડાશાસ્ત્રમાં ભારે સુવિધા થઈ ગઈ હતી. મુહમ્મદ બિન મુસા શાકિરે એક રાસાયણિક ત્રાજવાની શોધ કરી હતી, જેમાં ઓછામાં ઓછી માત્રાના પદાર્થોનું સચોટ વજન જાણી શકાતું હતું. આ ત્રાજવાનો ઉપયોગ હીરા-ઝવેરાત અને ઔષધોના વજન જાણવામાં બહુ જ ઉપયોગી નીવડ્યું હતું.

હસન બિન મૂસા શાકિર (હિસ ર૫૪/ઇસ ૯૭૩)ને ભૂમિતિમાં ઘણો રસ હતો. તે એક સારો સિવિલ એન્જીનીયર હતો. તત્કાલીન શાસકે એમને એક નહેર બનાવડાવવાની કામગીરી સોંપી હતી.

હસન ખગોળશાસ્ત્ર અને ભૂમિતિમાં પ્રખર જ્ઞાન ધરાવતો હતો. ત્રણે ભાઈઓના નામે ઘણા મહત્વના કાર્યો નોંધાયા છે જેમાં ભૂમિતિનું પ્રબંધ 'Book on the measurement of plane and spherical figures’ સૌથી મહત્વનું છે. આ હસ્તપ્રત મધ્યયુગમાં યુરોપ અને મુસ્લિમ દેશોમાં ખૂબ પ્રસિદ્ધ હતી. ૧૨મી સદીમાં આનો લેટીન ભાષામાં ક્રેમોનાના જેરાર્ડે અનુવાદ કર્યો હતો. આ પ્રબંધનો મુખ્ય વિષય ક્ષેત્રફળ અને કદ, શોધવાની ગ્રીક પદ્ધતિ કઈ હતી એ છે. આમાં વર્તુળ અને દડા ના માપ શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.