પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
હૈબતુલ્લાહ અબૂલ બરકાત અલ બગદાદી

હૈબતુલ્લાહ અબૂલબરકાત અલ બગદાદીનો જન્મ ઈરાકના બલદ શહેરમાં આશરે ઈસ. ૧૦૮૦માં થયો હતો. મનોવૈજ્ઞાનિક, ફિલસૂફ, ભૂસ્તરશાસ્ત્રી અને ગદ્યલેખક અલ બગદાદી મોહમ્મદ બિન મલિકશાહના સમયમાં સેલ્જૂક દરબારમાં તબીબ તરીકે પણ સેવાઓ આપી હતી.

બાળપણથી જ હૈબતુલ્લાહ પોતાના વતન બલદથી બગદાદ આવી ગયો અને પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કરી તબીબી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ સમયે અબૂલ હસન સઈદ બિન હૈબતુલ્લાહ પ્રસિદ્ધ તબીબ હતા. એમની પાસેથી તબીબી શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. યહૂદી મૂળના હેબતુલ્લાહે ઇસ્લામ સ્વીકારી લીધો હતો. હૈબતુલ્લાહે સુલતાન મહેમૂદ ગઝનવીના દરબારમાં પણ તબીબ તરીકે સેવા આપી હતી.

હૈબતુલ્લાહ સારો લેખક અને ફિલસૂફ હતો. ખૂબ જ સરળ ભાષામાં લખતો હતો. ફિલસૂફીમાં એ વખતે મુશ્કેલ ભાષામાં લખાણો લખાતા હતા ત્યારે હૈબતુલ્લાહે ખૂબ જ સરળ અને લોકભાષામાં ફિલસૂફીના પેચીદા પ્રશ્નોને રજૂ કરી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આવા જ લેખોનો સંગ્રહ 'અલ મોઅતબર’ એમનું પ્રસિદ્ધ પુસ્તક છે. જેમાં મહત્વનાં દાર્શનિક ભાષ્યો સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે.

અબૂલ બરકાત નૈતિક ફિલસૂફી (Moral philosophy) નો નિષ્ણાંત હતો અને આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતો હતો. અબૂલ બરકત ભૂસ્તરશાસ્ત્રી પણ હતો આ ઉપરાંત ખગોળશાસ્ત્ર વિષે એક ગ્રંથ 'On the Reason why the stars are visible at nights & hidden in day time' (તારાઓ શા કરણે રાત્રે દેખાય છે અને દિવસે દેખાતા નથી) લખ્યો હતો.

ઈસ. ૧૧૬૪ કે ૧૧૬૫માં બગદાદમાં એમનું અવસાન થયું.