પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો'
૧૩૩
 

ગ્રીક ફિલસુફીથી પ્રભાવિત થઈ નીતિશાસ્ત્રમાં "અખ્લાકે નસીરી'ની રચના કરી. આના પહેલા ખંડમાં અલ મિસ્કવાયહના નીતિશાસ્ત્રના ગ્રંથનો અનુવાદને એણે સ્થાન આપ્યું હતું.

એણે ઇબ્ને સીનાના ‘અલ ઇશારાત વલ તમ્બીહાત'નું વિવેચન કર્યું. અલ રાઝીના 'કલામ'નું ભાષ્ય પણ એણે રચ્યું અને અલ રાઝી ઉપર થયેલા આક્ષેપોનું ખંડન કરી એનો બચાવ પણ કર્યો.

અલ તુસીએ ખગોળશાસ્ત્રમાં 'અલ તઝમીરા ફી ઇલ્મ અલ હયા' (વિશ્વ રચના શાસ્ત્ર)ની રચના કરી હતી. એની ખરી ખ્યાતિ ખગોળશાસ્ત્રી તરીકે જ છે. એ પ્રાયોગિક ખગોળશાસ્ત્ર, સાધનો, જ્યોતિષશાસ્ત્રમાં પ્રબંધ ગ્રંથોની રચના પણ કરી હતી. એણે 'જિઝ અલખાની' નામક ખગોળીય કોષ્ટકોની રચના પણ કરી. જયારે એ મરાધાની વેધશાળાનો વડો હતો ત્યારે નોંધેલા અવલોકનોનો સંગ્રહ છે. વર્ષો સુધી આનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો. એણે 'તુસી કપલ' તરીકે ઓળખાતા ખગોળીય સાધનની રચના કરી એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. કે દરેક અવકાશીય પિંડ ગોલીય ગતિમાં પરિભ્રમણ કરે છે. આ સાધનમાં બહારની રીંગમાં અંદર એક રીંગ વર્તુળાકાર ગતિમાં ફરે છે. આનો પ્રભાવ એટલો પડ્યો હતો કે પુનઃજાગૃતિ કાળમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી કોપરનિક્સે અલ તુસીના આ 'તુસી કપલ'ના આધારે પોતાનો સિદ્ધાંત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અલ તુસી પોતે ગ્રીક ફિલસુફી અને ગણિતશાસ્ત્રથી ખૂબ પ્રભાવિત હતો. એ ઈચ્છતો કે વિદ્યાર્થીઓ આ મહાન પ્રશિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી એનો લાભ ઉઠાવે. એટલા માટે એણે આ ગ્રંથોનો સરળ ભાષામાં પાઠ્યપુસ્તકની જેમ અનુવાદ કર્યો હતા અને સમજૂતીઓ સાથેના વિવેચનો લખ્યા. અલ તુસી યુકલિડનાં 'તત્વો', ટોલેમીના 'અલમાજેસ્ત' ઉપરાંત થ્યુસોડીયસ, હિપ્સીકલસ, ઓટોલીક્સ, ઓરીસ્ટાર્કસ આર્કિમિડીઝ, મેનેલો, સાબિત ઇબ્ને કુર્રા અને મુસા ભાઈઓના ગણિત અને ખગોળશાસ્ત્રીય ગ્રંથોને સરળ ભાષામાં રજૂ કર્યા.

ત્રિકોણમિતિમાં એણે 'કિતાબ અલ શકલ અલ કતા' પાંચ ભાગમાં રચના કરી. આ ઉપરાંત 'અલ રિસાલા અસ્તૂર લાબીયા' પ્રબંધ, ફારસી ભાષામાં 'અવસાફ અલ અશરફ' ગૂઢ નૈતિકવાદ વિશે ગ્રંથોની રચના કરી.

ટોલેમી અને કોપરનિક્સ વચ્ચેના આ મહાન ખગોળશાસ્ત્રીનું અવસાન ૨૫/૦૬/૧૨૭૪માં બગદાદમાં થયું.