પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૩૫
 


હતો. નીતિશાસ્ત્રમાં સૌ પ્રથમ ગ્રંથ લખનાર ઇબ્ને મિસ્કવાયહને જીનીયસની કક્ષામાં મૂકવું પડે. એણે લખેલા ગ્રંથોની સંખ્યા બે ડઝનથી વધારે છે એમાંથી કેટલાક હાલમાં ઉપલબ્ધ છે.

૧. તિજારતુલ ઉમમ વ તઆકુલ અલ હુમમ :સામાન્ય ઇતિહાસનો ગ્રંથ છ ખંડમાં છે. નૂહ (નોહા)ના તોફાનથી લઈ હિ.સ. ૩૮૯ સુધીનું વર્ણન છે. આનો કેટલાક ભાગ અંગ્રેજી ભાષામાં ઇ.સ. ૧૯૦૯ થી ૧૯૧૭ દરમ્યાન પ્રકાશિત થયો હતો.

૨. કિતાબ આદાબ અલ અરબ વ અલ ફારસ : આમાં ઈરાન, ભારત, ઇજીપ્ત અને ગ્રીસ ઉપરાંત વિશ્વના ઘણા બધા લોકોના સામુહિક રીતિરિવાજો અને ટેવો તથા સ્વભાવની દાર્શનિક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. છ ખંડમાં લખાયેલ આ સંશોધનાત્મક ગ્રંથ આ વિષયમાં મૌલિક ગણાતું હતું. આની હસ્તપ્રતો લંડન, ઓક્સફર્ડ અને પેરીસના પુસ્તકાલયોમાં સચવાયેલ છે.

૩. કિતાબ તેહઝીબ અલ ઈખ્લાક વ તતહીર અલ ઇરાક : નીતિશાસ્ત્ર અને માનવમનોવિજ્ઞાન સંબંધિત ઉત્કૃષ્ટ ગ્રંથ સાત ખંડોમાં છે. ઇબ્ને મિસ્કવાયના શ્રેષ્ઠ ગ્રંથોમાંથી એક છે. ઇજીપ્તમાં પ્રકાશિત થયું હતું. ભારતમાં હિ.સ. ૧૨૭૧, ઇસ્તંબુલમાં હિ.સ. ૧૨૯૮માં અને કેરોમાં હિ.સ. ૧૨૯૮માં પ્રસિદ્ધ થયું. નસીરૂદ્દીન તુસીએ આનો ફારસી અનુવાદ કર્યો અને પોતાના ગ્રંથ 'અખ્લાકે નસીરી'માં પ્રથમ ખંડમાં સ્થાન આપ્યું.

૪. અલ ફૌઝ અલ અસગર : આ નાનકડા દાર્શનિક ગ્રંથમાં સૃષ્ટિના સર્જન ઈશ્વરના અસ્તિત્વ, આત્માની વાસ્તવિકતા અને નબુવ્વત અર્થાત્ ઇશદૂતત્વ વિશે ચર્ચા કરવામાં આવી છે. હિ.સ. ૧૩૭૯માં બેરૂતમાં અને હિ.સ. ૧૩૨૫માં કેરો (ઇજીપ્ત)માં પ્રકાશન થયું. સૃષ્ટિના સર્જક વિશે પ્રાચીન ફિલસૂફીથી લઈ એના સમય સુધી ઇશ્વરના અસ્તિત્વની સાબિતીઓ વિશે ચર્ચા કરી છે. આત્મા વિશે એણે જણાવ્યું છે કે આત્મા જીવન નથી પરંતુ જીવન આત્માથી છે.

૫. રિસાલા ફી અલઝાત વલ આલામ ફી જવાહિરૂન્નફસ : દર્શનશાસ્ત્ર સંબંધી આ હસ્તપ્રત ઇસ્તંબૂલના રાગિબ પાશાના પુસ્તકાલયમાં સચવાયેલ છે.

૬. અજવિયહ દર મસ્અલા ફીલ નફસ વલ અકલ : આ પણ દર્શનશાસ્ત્ર સંબંધી ગ્રંથ છે. મન અને બુદ્ધિ વિશે ચર્ચા કરવામાં આવી છે. રાગિબ પાશાના પુસ્તકાલયમાં છે.