પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૩૭
 


વૈવિધ્યપૂર્ણ વિષયો ઉપર લખાયેલ આ ગ્રંથોની યાદી જોતાં અલ મિસ્કવાયહની વિદ્વતા, નિપુણતા અને પ્રચુરતાના દર્શન તો થાય જ છે જે એને ઇબ્ને સીના જેવા મેધાવી પુરૂષની સમકક્ષ લાવીને ઊભો કરી દે છે. નસીરૂદ્દીન તુસીએ ઇબ્ને મિસ્કવાયાહના 'તેહજીલ અલ ઇખ્લાક'નો અનુવાદ કરી પોતાના ગ્રંથ ‘અક્લાકે નસીરી'માં પ્રથમ ખંડમાં સ્થાન આપ્યું છે. આ વાત જ એની વિદ્ધતાની સાબિતી છે.

અલ મિસ્કવાયહ ફિલસુફીમાં એરિસ્ટોટલ અને અલ ફારાબીથી પ્રભાવિત હતો પરંતુ એનું ચિંતન અલકીંદીની તર્જ પર વધુ જણાય છે. એ એક સ્વતંત્ર દાર્શનિક હતો અને એણે દર્શનશાસ્ત્રને વ્યવસ્થિતરૂપે રજૂ કર્યું. એની વિશેષતા એ હતી કે એણે ક્યારેય ઇસ્લામ અને શરીઅત સામે આંખ આડા કાન નથી કર્યા. નૈતિકતા અને ફિલસુફીના પ્રશ્નોની ચર્ચા કરતી વખતે બીજા દાર્શનિકોના મુકાબલેએ ઇસ્લામથી વધુ નજીક જણાય છે. એનું તત્વચિંતન ગ્રીકો કરતાં કુર્આનથી વધારે પ્રભાવિત થયું છે. એ માનતો કે દરેક માણસ ઉચ્ચતા પ્રાપ્ત કરવા મથે છે અને આ એક કુદરતી વલણ છે અને આ બાબત જ મનુષ્યને બીજા પ્રાણીઓથી અલગ તારવી દે છે. એ સ્પષ્ટપણે માનતો કે માણસો એકબીજાને મદદ અને પ્રેમ કરનાર હોય છે. બ્રહ્માચર્યનો એ સખત વિરોધી હતો. એ માનતો કે જે માણસ પોતાને એક જગ્યાએ બંદી બનાવી લે છે એ બીજાનો લાભ તો લઈ શકે છે પરંતુ તે બીજાને કોઈ લાભ આપી શકતો નથી.

શિક્ષણ વિશે પણ એણે ચિંતન કર્યું છે અને એમાં બુદ્ધિ તથા આત્માની ઉત્ક્રાંતિ ઉપરાંત વિશેષત: બાળકોના શૈક્ષણિક ઉછેર ઉપર ખૂબ ભાર આપ્યો છે.

આ મહાન ચિંતક ઇતિહાસકાર અને સાહિત્યકારે ૯૦ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું અને ૧૪/૦૨/૧૦૩૨માં એનું ઇસ્ફહાનમાં અવસાન થયું.