પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


અલ ફઝારી (મૃ. આ. ઇ.સ. ૭૭૭)

અબુ ઈશ્હાક ઈબ્રાહીમ ઇબ્ને હબીબ ઈબ્ને સુલેમાન ઈબ્ને સમુરા ઈબ્ને જુન્દબ અલ ફઝારી (મૃ. આ. ઈ.સ. ૭૭૭) પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને અસ્તૂરરલાબની રચના કરનાર સૌ પ્રથમ મુસ્લિમ હતા.

અલ ફઝારીએ ઘણા વૈજ્ઞાનિક ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. પરંતુ અરબી ઇતિહાસકાર અબૂલ ફરાજ ઈબ્ને અલ નદીમ (મૃ. ઈ.સ. ૯૯૩) ‘કિતાબ અલ ફિહરીસ્ત અલ ઊલૂમ'માં અને જલાલુદ્દીન અલી ઈબ્ને કિફતી (ઇ. સ. ૧૧૭૩-૧૨૪૮) 'તારીખ અલ હુકમા'માં અલ ફેઝારીના છ ખગોળીય ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. જે નીચે મુજબ છે.

૧. કિતાબ ફી તસ્તીહ અલ કુરા

૨. અલ જિઝ અલા સીની અલ અરબ (અરબી પંચાગ અનુસાર ખગોળીય કોષ્ટકો)

૩. કિતાબ અલ અમલ બીલ અસ્તૂલાબ અલ મુસ્તાહ (સાદા અસ્તૂરલાબ વાપરવાની રીતો વિશે)

૪. કિતાબ અલ અમલ બિલ અસ્તૂરલાબ ધવાત અલ હગલક (વીંટીવાળા અસ્તૂરલાબના ઉપયોગ બાબતે)

૫. કિતાબ અલ મિકયાસ બિલ ઝવાલ (મધ્યાહનના છાયાશંકુ વિશે)

૬. કસીદા ફી ઈલ્મ નુસુમ (તારાઓના વિજ્ઞાન વિશે સ્તુતિકાવ્ય)

અલ ફઝારીએ આઠમી સદીમાં વીંટીવાળા અસ્તૂરલાબ કે જેને અંગ્રેજીમાં armillary sphere અને અરબીમાં 'ધવાત અલ હલક' તરીકે ઓળખવામાં આવે છે - પ્રબંધ ગ્રંથ લખ્યો હતો. આ સાધનનો ઉપયોગ ખગોળશાસ્ત્ર ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં પણ થાય છે.

અલ ફઝારીના પુત્ર મોહમ્મદે ભારતીય ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સંસ્કૃતમાં રચેલ 'બ્રહ્મ સ્ફૂટ સિદ્ધાંત'નો અરબી અનુવાદ 'સિંદહિંદ' તરીકે કર્યું હતું. જેનો અંગ્રેજી અનુવાદ ડેવીડ પિંગરીએ કર્યું હતું.