પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૪૧
 
અલ જુરજાની (મૃ. ઇ.સ. ૧૧૩૬)

અબુલ ફાઝિલ ઈસ્માઈલ ઈબ્ને હુસૈન અલ જુરજાની ઈબ્ને સીના પછી સૌથી મહાન પર્શિયન (ઇરાની) તબીબ ગણાય છે અને ફારસી ભાષામાં સૌ પ્રથમ તબીબી વિશ્વકોષના રચનાકાર હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. અલ જુરજાનીનો જન્મ ઈરાનના જુરજાન સ્થળે અગિયારમી સદીના મધ્યમાં થયો હતો. તેણે ઈબ્ને સીનાના શિષ્ય ઈબ્ને અબી સાદિક (મૃ. ૧૦૬૬) પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. ઈ.સ. ૧૧૧૦માં અલ જુરજાનીએ ખ્વારિઝમ (હવે ખીવા)ના શાસક ખ્વારિઝમશાહ કુતુબુદ્દીનના દરબારમાં અને પછી મર્વ શહેરમાં સુલતાન સંજરના દરબારમાં સેવા આપી. અલ જુરજાનીનું અવસાન ઈ.સ. ૧૧૩૬માં મર્વમાં થયું.

અલ ફુરજાનીનું સૌથી મહાન કાર્ય 'ઝખીરએ ખ્વારિઝમશાહી'ની રચના ગણાય છે. ઈબ્ને સીનાના 'કાનૂન' જેવું જ દળદાર આ ગ્રંથમાં તબીબીશાસ્ત્રના જ્ઞાન અને પ્રેક્ટીસની બાબતો વર્ણવવામાં આવી છે. ફારસી ભાષામાં લખાયેલ આ પ્રશિષ્ટ ગ્રંથના અનુવાદ હિબ્રુ, ઊર્દુ અને તુર્કી ભાષામાં થઈ ચુક્યા છે.

અલ જુરજાનીએ 'મુખ્તરસર ખુફીએ આલાઈ' નામક ગ્રંથની રચના બે ભાગમાં કરી હતી જેનું પ્રકાશન આગ્રા (૧૮૫૨) અને કાનપુર (૧૮૯૧)માં થયું હતું. જો કે હાલમાં ઉપલબ્ધ નથી.

અલ જુરજાનીએ ખ્વારિઝમશાહ કુતુબુદ્દીનના પુત્ર આત્સીઝના વજીર માટે 'અલ અગરાદ અલ તિબ્બીયા' (ઓષધોનો હેતુ)ની રચના કરી હતી જે વાસ્તવમાં 'ઝખીરએ ખ્વારિઝમશાહી'નું જ સંક્ષિપ્ત રૂપ હતું પરંતુ આમાં વધારામાં રોગોના લક્ષણો અને નિદાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 'યાદગારે તિબ્બ' મુખ્યત્વે ઔષધશાસ્ત્ર બાબત છે.