પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



ઈબ્ને અલ નફીસ (ઈ.સ. ૧૨૧૩−૧૨૮૮)

અલાઉદ્દીન અબુલહસન અલી ઈબ્ને અબી અલ હઝમ અલ નફીસનો જન્મ ઈ.સ. ૧૨૧૩માં (હિ.સ. ૬૦૭)માં દમાસ્કસ (સીરીયા)માં થયો હતો. એમણે નૂરૂદ્દીન ઝંગીએ સ્થાપેલ તબીબી કોલેજ અને અસ્પતાલમાં તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તબીબીશાસ્ત્ર ઉપરાંત કાનૂન, સાહિત્ય અને આધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન પણ મેળવ્યું હતું. તેઓ શાફઈ સંપ્રદાયના પ્રસિદ્ધ ધર્મશિક્ષક (ફિકહશાસ્ત્રી) અને તબીબ હતા.

એક સફળ તબીબી હોવા ઉપરાંત તેઓ પેગમ્બર સાહેબનું જીવન ચરિત્ર (સીરત), દર્શન, તર્કશાસ્ત્ર અને વ્યાકરણનું જ્ઞાન ધરાવતા હતા. એમણે પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર લખ્યું, ઇબ્ને સિનાના ‘હિદાયા' તર્કશાસ્ત્ર બાબતે અને ફિલસૂફીમાં ઇન્ને તુફૈલના 'હૈય્ય ઇબ્ને યકઝાન'ની ટીકાટીપ્પણી 'ફાદિલ ઈબ્ને નાતિક' લખી.

તબીબી ક્ષેત્રે એમણે જુના તબીબી ગ્રંથોના વિવેચન લખ્યા અને એમાં પોતાના મૌલિક વિચારો પણ ઉમેર્યા. એમનું સૌથી મહત્વનું સંશોધન કહી શકાય શરીરમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે એ સમજાવવા છેક તેરમી સદીમાં એમણે ઇબ્ન સીનાના 'અલ કાનૂન'નું વિવરણ 'કિતાબ મુઝીઝ અલ કાનૂન' અને 'શરહતશરીફ અલ કાનૂન' ૨૦ ગ્રંથોમાં લખ્યું હતું, જેમાં એમણે સૌ પ્રથમવાર ફેફસાના બંધારણ, લોહીની નસો, હૃદયની ધમનીઓ, હવા અને લોહી વચ્ચે પરસ્પરની પ્રતિક્રિયા અને ફેફસામાં લોહીના પરિભ્રમણની સ્પષ્ટ વિભાવના રજૂ કરી હતી. ઇ.સ. ૧૬૫૯માં લગભગ સાડા ત્રણ સદીઓ પછી, વિલિયમ હાર્વેએ આ સિદ્ધાંતનું પુનઃસંશોધન કર્યું અને લોહીના પરિભ્રમણની શોધનો જશ ખાટી ગયો.

અલ નફીસે 'કિતાબ અલ શામિલ ફી અલતિબ્બ' નામક દળદાર ગ્રંથ લખ્યું, જેમાં સર્જીકલ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. નેત્રશાસ્ત્ર વિશે ‘કિતાબ અલ મજહબ ફી તિબ્બ અલ ઐન' મૌલિક ગ્રંથની રચના કરી હતી. હિપ્પોક્રેટના ગ્રંથ બાબતે વિવેચન લખ્યું હતું. હુનૈન ઇબ્ન ઈશ્હાકના ગ્રંથ વિશે પણ વિવેચન લખ્યું હતું.