પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


ઇબ્ને તુફૈલ (બારમી સદી)

અબૂ બક્ર મોહમ્મદ ઇબ્ને અબ્દુલ મલિક ઈબ્ને મુહમ્મદ ઇબ્ને તુફૈલ અલ કૈસી પ્રસિદ્ધ તબીબ અને ફિલસુફ હતો. સ્પેનના ગ્રેનેડા શહેરમાં બારમી સદીના પ્રારંભમાં જન્મ્યો હોવાનું મનાય છે. અલ મોહદ વંશના શક્તિશાળી રાજકુમાર અબુ યાકૂબ યુસુફ શાસક બન્યો ત્યારે એના દરબારી તબીબ તરીકે ઇબ્ને તુફેલની નિયુક્તિ કરવામાં આવી હતી. અબૂ યાકૂબના મૃત્યુ પછી એના ઉત્તરાધિકારી અબૂ યુસુફ યાકૂબ સાથે પણ ઈબ્ને તુફૈલને સારું બનતું હતું.

ઈબ્ને તુફૈલ એક તબીબ કરતાં ફિલસૂફ તરીકે વધારે ખ્યાતિ પામ્યો. એને વિશ્વ પ્રસિદ્ધ બનાવનાર એનો ગ્રંથ હતો 'હૈય ઇબ્ને યકઝાન'. ઈબ્ને તુફૈલ મધ્યયુગના મહાન મુસ્લિમ ફિલસુફ ઈબ્ને રુશ્દનો આશ્રયદાતા અને મિત્ર પણ હતો. એણે દર્શનશાસ્ત્રમાં ઘણા વિવેચનો લખ્યા.

ઈબ્ને તુફૈલ તબીબ અને ફિલસૂફ ઉપરાંત કવિ અને ખગોળશાસ્ત્રી પણ હતો અને આ વિષયમાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. દુર્ભાગ્યે આજે એ ઉપલબ્ધ નથી. એની એકમાત્ર મહાન કૃતિ 'હૈય ઇબ્ને યકઝાન' ઉપલબ્ધ છે. આ દાર્શનિક કથામાં હૈય નામનું બાળક એક નિર્જન ટાપુ પર એકલો મોટો થઈ જીવનના સંઘર્ષોનો સામનો કરે છે એવી કથા છે. આ અબૂધ બાળક કોઈપણ માનવીના સંપર્કમાં આવ્યા વિના કેટલો બુદ્ધિશાળી બને છે એનું વિવિરણ ઈબ્ને તુફૈલે કર્યું છે.

આ કથાનું સર્જન પ્રસિદ્ધ ફિલસફ ઈબ્ને સીનાની ફિલસૂફીના આધારે કરવામા આવ્યું હતું એવું માનવામાં આવે છે. ઈ.સ. ૧૬૭૧માં એડવર્ડ પોકોકે આનો લેટીન અનુવાદ કરતાં ઇબ્ને તુફૈલની ખ્યાતિ યુરોપમાં પ્રસરી. આ ગ્રંથની કોપીઓ પ્રસિદ્ધ ફિલસુફો હ્યુજીન્સ લોક અને લિબનીટ્ઝને પણ આપવામાં આવી હતી. આનાથી જ પ્રેરિત થઈને ડેનિયલ ડીફોએ રોબીન્સને ક્રુઝો લખી હોવાનું મનાય છે, અને રૂસોએ 'Emile' નો આધાર પણ આને જ બનાવ્યો હોવાની સંભાવના છે. ઈ.સ. ૧૬૮૬માં અંગ્રેજી ભાષાંતર કરવામાં આવ્યું એ પછી ડચ, જર્મન, ફ્રેંચ, કેટલન, હિબ્રુ, પર્શિયન અને રશિયન ભાષામાં પણ અનુવાદ આજે ઉપલબ્ધ છે. આટલી સદીઓ પછી પણ આની ફિલસૂફી એક ચર્ચા અને વિરોધાભાસનો વિષય છે એ જ આ ગ્રંથની સૌથી મોટી ઉપલબ્ધી ગણવી જોઈએ.