પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કોષ્ટકો 'જિઝ અલ સિધીદ' તરીકે ઓળખાયા જેણે પશ્ચિમી વિજ્ઞાનના જન્મ પર ઘણો પ્રભાવ પાડ્યો.

આરબોએ ભારતીય ગણિતશાસ્ત્રીઓ પાસેથી પ્રેરણા લઈ શૂન્યને ઉપયોગ શરૂ કર્યો હતો. આ શૂન્યનું મહત્વ અલખ્વારિઝમીએ દર્શાવ્યું એટલું જ નહીં દશાંશ પદ્ધતિને પણ પ્રચલિત કરી. અલ ખ્વારિઝમી એ ભારતીય આંકડાઓ કે જે હવે અરબી આંકડાઓ તરીકે પણ ઓળખાય છે - ને પ્રચલિત કર્યા. આ સાથે અંકગણિતની કેટલીક પ્રક્રિયાઓ – પૂર્ણાંકો સહિત – વિકસાવી.

રચનાઓ :

અલ ખ્વારિઝમીએ ઘણા ગ્રંથઓની રચના કરી હોવાનું મનાય છે. દુર્ભાગ્યે ઘણા ઓછા આજે ઉપલબ્ધ છે. એમના કેટલાક ગ્રંથોનું ૧૨મી સદીમાં લેટીનમાં અનુવાદ કરવામાં આવ્યું હતું. અંકગણિત વિશે 'કિતાબ અલ જમા વલતફરીક બિલ હિસાબ અલ હિન્દ' મૂળ અરબીમાં હતી, હવે ઉપલબ્ધ નથી પરંતુ એનો લેટીન અનુવાદ સચવાયેલો છે.

એમના સૌથી મહાન કાર્ય બીજગણિત વિષયક ગ્રંથ વિશે આપણે આગળ જોઈ ગયા.

ભૂગોળશાસ્ત્રમાં 'કિતાબ સૂરત અલ અર્દ' પૃથ્વીના આકાર વિશે લખ્યું હતું અને વિશ્વના નક્શા પણ બનાવ્યા હતા. ટોલેમીના દૃષ્ટિબિંદુને સુધારી વિશ્વનો નકશો એમણે બનાવ્યો હોવાનું મનાય છે. અલ ખ્વારિઝમીએ યહૂદીઓના પંચાંગ વિશે 'ઇસ્તીખરાજ તારીખ અલ યહૂદ' નામક ગ્રંથની રચના કરી હતી. એમણે 'એસ્ટ્રોલેબ' કે 'અસ્તૂરલાબ' વિશે પણ બે પ્રબંધો લખ્યા હતા. ઇતિહાસમાં 'કિતાબ અલ તારીખ' લખ્યું હતું. સૂર્યઘડિયાળ વિશે 'કિતાબ અલ રૂખમા' લખ્યું હતું. દુર્ભાગ્યે છેલ્લા બે ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.

પ્રોફેસર ફિલીપ હિત્તીએ અલ ખ્વારિઝમી વિશે લખ્યું હતું, "ગાણિતિક વિચારો ઉપર એમણે (અલ ખ્વારિઝમીએ) બીજા કોઈપણ મધ્યયુગીન લેખક કરતા વધારે પ્રભાવ પાડ્યો હતો."

આમ, અલ ખ્વારિઝમીએ બીજગણિત ઉપરાંત અંકગણિત, ખગોળ અને ભૂગોળના લખેલ ગ્રંથોનું લેટીન ભાષામાં અનુવાદ થતાં એની અસર યુરોપમાં થયેલી શૈક્ષણિક પ્રગતિ ઉપર પડ્યો હતો.