પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અલ રાઝી (ઈ.સ. ૮૬૪-૯૩૦)

અબૂબક્ર મોહમ્મદ બિન ઝકરીયા અલરાઝી ઇરાનના રૈ શહેરમાં ઈ.સ. ૮૬૪માં જન્મ્યા હતા. હુનૈન ઇબ્ને ઇશ્હાકના વિદ્યાર્થી પાસેથી એમણે તબીબીશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળ, રસાયણશાસ્ત્ર અને ફિલસુફીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રારંભમાં એમને સંગીતમાં રસ હતો પરંતુ જેમ જેમ તેઓ બીજા ક્ષેત્રોમાં જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા તેમ સંગીતમાંથી એમનો રસ ઓછો થતો ગયો. તબીબીશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી મુક્તદરી અસ્પતાલમાં તબીબ તરીકે સેવા આપી. એશિયાના ઘણા દેશોમાંથી દર્દીઓ અને વિદ્યાર્થીઓ એમની પાસે ઇલાજ કરાવવા અને જ્ઞાન મેળવવા આવતા હતા. બગદાદની અલ મુક્તદરી અસ્પતાલમાં સેવાઓ આપી એ પહેલાં તેઓ રૈ ની શાહી અસ્પતાલમાં ઇન્ચાર્જ ડૉક્ટર તરીકે કાર્ય કર્યું હતું. રૈ અને બગદાદની અસ્પતાલો વચ્ચે આવનજાવન ચાલુ રહી અને છેલ્લે તેઓ રૈ શહેરમાં ઈ.સ. ૯૩૦માં અવસાન પામ્યા ત્યાં સુધી સેવાઓ આપી. તહેરાનમાં એમના નામે રાઝી ઇન્સ્ટીટ્યુટ આવેલ છે. અલ રાઝીએ એક ચિકીત્સક, દાર્શનિક અને વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી.

અલ રાઝીએ દર્શનશાસ્ત્રમાં લખેલા ગ્રંથો નાશ પામ્યા છે. પરંતુ જે અમુક ભાગ મળ્યો છે એનાથી લાગે છે કે તેમણે પ્લેટો અને એરિસ્ટોટલની તરફેણ કરી છે. ચિકીત્સાશાસ્ત્રના ઈતિહાસમાં અલરાઝી હીપ્પોક્રેટ પછી પૂર્વ અને પશ્ચિમ બંનેમાં એક મહાન ચિકીત્સક તરીકે જાણીતા હતા. ચિકીત્સામાં મુસ્લિમોમાં તેઓ ઈબ્ને સીના પછી બીજું સ્થાન ધરાવતા હતા.

અલ રાઝીએ ૨૩૨ પુસ્તકો લખ્યા, જેમાંથી મોટાભાગના ચિકીત્સાશાસ્ત્ર બાબતે હતા. ‘કિતાબ અલ હાવી ફી અલ તિબ્બ' ચિકીત્સા શાસ્ત્રનો તત્કાલીન સમયનો સૌથી મોટો વિશ્વકોષ હતો. એમાં ગ્રીક અને આરબ સ્ત્રોતોમાંથી તબીબીશાસ્ત્રની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત અલરાઝીના પોતાના મંતવ્યો કે ટીકાટીપ્પણી પણ હતી, અલ રાઝીની ચિકીત્સા પદ્ધતિની વિશેષતા એ હતી કે યોગ્ય અને નિયંત્રિત ખોરાકથી તંદુરસ્તી મેળવવી. આ ઉપરાંત તંદુરસ્તી ઉપર મનોવૈજ્ઞાનિક પરિબળોની ચર્ચા પણ હતી. એમણે ભારપૂર્વક દર્શાવ્યું કે જે કાંઈ દવાઓ બને એનો ટેસ્ટીંગ સૌપ્રથમ પ્રાણીઓ ઉપર કરવું જોઈએ જેથી દવાનો પ્રભાવ અને આડઅસરો વિશે જાણી શકાય. તેઓ એક નિષ્ણાંત સર્જન હતા અને એનેસ્થેસીયા માટે અફીણનો ઉપયોગ કરનાર સર્વપ્રથમ તબીબ હતા.