પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૭
 
અલ દીનવરી (ઈ.સ. ૮ર૬ − ૮૯૫)

અબૂ હનીફા એહમદ બિન દાઊદ અલ દીનવરીનો જન્મ ઈ.સ. ૮૨૬માં મુસ્લિમ સ્પેનના અંદલૂસીયામાં થયો હતો. વનસ્પતિશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, ગણિત અને ખગોળશાસ્ત્રમાં જ્ઞાન ધરાવતા હતા. એમણે કુર્આનનું વિવરણ (તફસીર) ૧૩ ખંડોમાં ગ્રંથસ્થ કર્યું. એમણે લખેલા મહત્તવના ગ્રંથોમાં 'કિતાબ અલ કિબ્લા વલા ઝવાલ' (ભૂગોળશાસ્ત્ર), 'કિતાબ અલ અન્વા' (હવામાનશાસ્ત્ર વિશે), 'કિતાબ અલ નબાત' (વનસ્પતિશાસ્ત્ર વિશે) ઉપરાંત અંકગણિત અને બીજગણિતના કેટલાક ગ્રંથોનો પણ સમાવેશ થાય છે.

અલ દીનવરીએ લખેલ 'ક્તિાબ અલ નબાત' વનસ્પતિશાસ્ત્રના ઈતિહાસમાં એક સીમાચિહનરૂપ ગ્રંથ છે જેમાં એમણે એમના સુધીની જ્ઞાત બધી જ વનસ્પતિઓ વિશે માહિતી આપી છે. દરેક વનસ્પતિનું ભાષા, ઈતિહાસ અને વનસ્પતિશાસ્ત્રીય અભિગમથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

અલ દીનવરીએ છોડની ઉત્પત્તિ, એના જન્મથી મૃત્યુ સુધી વર્ણન કર્યું છે, છોડનો વિકાસ, ફૂલો અને ફળોની ઉત્પત્તિનું પણ વર્ણન કર્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની માટીઓ, છોડ માટે કઈ માટી સારી, એના ગુણધર્મો અને ગુણવત્તાનું પણ વર્ણન કર્યું છે.

અલ દીનવરીએ છ ખંડોમાં લખેલ વનસ્પતિશાસ્ત્રના વિશ્વકોષ સમાન ગ્રંથમાં અંદાજે ૪૦૦ છોડની માહિતી મળે છે. દુર્ભાગ્યે માત્ર બે જ ખંડો હાલમાં ઉપલબ્ધ છે. એમાં વિસ્તારપૂર્વકના વર્ણનને લીધે વનસ્પતિશાસ્ત્રીઓ જ નહીં પરંતુ શબ્દકોષ સંપાદકો, ઔષધશાસ્ત્રીઓ અને કૃષિ શાખાના વિદ્યાર્થીઓ પણ એનો આધારભૂત સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે.