પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
સાબિત ઇબ્ને કુર્રા (ઇ.સ. ૮૩૬-૯૦૧)

સાબિત ઇબ્ને કુર્રા ઇબ્ને મરવાન અલ સા'બી અલ હર્રાનીનો જન્મ ઇ.સ. ૮૩૬માં હાલના તુર્કીના હર્રાનમાં થયો હતો. મહાન ગણિતશાસ્ત્રી મુહમ્મદ ઇબ્ને મુસા શાકિરે સાબિતમાં છુપાયેલી ગણિતની પ્રતિભા જોઈને ખલીફા હારૂન અલ રશીદના "જ્ઞાનગૃહ'માં જોડાવવાનો અનુરોધ કર્યો. ત્યાં સાબિતે પ્રસિદ્ધ મૂસા ભાઈઓના હાથ નીચે કામ કર્યું. ગણિત, ખગોળશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રમાં યોગદાન આપ્યું. આ ઉપરાંત ઘણા વૈજ્ઞાનિક ગ્રંથોનું ગ્રીક ભાષામાંથી અરબીમાં અનુવાદ કર્યું. પાછળથી અબ્બાસી ખલીફા અલ મુતદીદએ એને આશ્રય આપ્યો.

સાબિત ઇબ્ને કુર્રા હર્રાનનો વતની હતો અને સા'બી સંપ્રદાયનો હતો કે જેઓ તારાઓ વિષે ઘણી જાણકારી ધરાવતા હતા. આ સંપ્રદાયના લોકો સારા ખગોળ શાસ્ત્રીઓ અને ગણિતશાસ્ત્રીઓ બનતા હતા. આ ઉપરાંત આ સાંપ્રદાયનો ગ્રીક સંસ્કૃતિ સાથે સારો નાતો હતો. મુસ્લિમોએ ગ્રીકો ઉપર ફતેહ મેળવતા સાબીયનો પણ અરબી ભાષી બન્યા હતા. સાબિત ઇબ્ને કુર્રા ગ્રીક, સીરીયાક અને અરબી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતો હતો. બગદાદના જ્ઞાનગૃહમાં સાબિત એક સારો અનુવાદક બની રહ્યો, એનું કારણ એની આ ત્રણ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ હતું. મૂસા બંધુઓના હાથ નીચે કામ કરતા સાબિત ગણિત અને તબીબીશાસ્ત્રનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બગદાદમાં એ 'શાહી ખગોળશાસ્ત્રી' તરીકે નિયુક્તિ પામ્યો હતો.

હુનૈન ઇબ્ને ઇશ્હાકે યુકલિડના ‘તત્વો’નું અનુવાદ અરબી ભાષામાં કર્યું હતું પરંતુ સાબિતે એમાં ઘણા સુધારાવધારા કર્યા હતા.

સાબિતે સૌથી મહત્ત્વનું પ્રદાન ગણિતશાસ્ત્રમાં કર્યું. એના કાર્યને વખાણતા 'ડીક્ષનરી ઑફ સાયન્ટીફીક બાયોગ્રાફીસ'ના સંપાદકો લખે છે, “(સાબિત ઇબ્ને કુર્રાએ) આંકડાઓથી વાસ્તવિક વિધેયાત્મક આંકડાઓ, કલનશાસ્ત્ર, વર્તુળાકાર ત્રિકોણમિતિના પ્રમેયો, પૃથ્થકરણીય ભૂમિતી અને બિનયુક્લિડીયન ભૂમિતિમાં ગણિતિક શોધો અને સુધારાવધારા જેવા કાર્યો માટે નવો માર્ગ કંડારવાની મહત્વની ભૂમિકા નિભાવી. ખગોળશાસ્ત્રમાં ટોલેમીક રચનામાં સુધારો કરનાર સાબિત પ્રથમ હતો અને યંત્રશાસ્ત્રમાં સ્થિતિશાસ્ત્ર (સ્ટેટીક્સ)નો સ્થાપક હતો."