પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૨૯
 

જ્યાં સુધી એમના કાવ્યો વિશેષત્ઃ 'રૂબાઈયાત’નો પ્રશ્ન છે, એવું કહેવાય છે કે ૧OOOથી વધારે રૂબાઈઓ એમણે લખી. આમાં કવિની પોતાની ફિલસૂફીની ઝાંખી થાય છે. આમાં મુક્ત વિચારો, સ્વતંત્રતા માટે પ્રેમ, માનવતા, ન્યાય, વક્રતા, સંદેહ અને સૌથી વધુ તો એપીક્યુરીયન વિચારો - ખાઓ, પીઓ અને મોજ કરો જેવા ભાવો અને લાગણીઓ ભરપૂર પ્રમાણમાં છલકાય છે. યુરોપીય દેશોમાં ૧૮૫૯ સુધી આ રૂબાઈઓ વિશે કોઈ જાણતું ન હતું. પરંતુ એડવર્ડ ફિઝગેરાલ્ડે ૭૫ રૂબાઈઓનો અગ્રંજીમાં અનુવાદ કર્યો એ પછી બીજી ઘણી ભાષાઓમાં આના અનુવાદ થયા અને લોકપ્રિય પણ થયા. ગુજરાતીમાં આ રૂબાઈઓનો સુંદર અનુવાદ ‘શૂન્ય' પાલનપુરીએ ખૂબ જ લાઘવભર્યા શબ્દોમાં કર્યો છે. એક-બે ઉદાહરણ જોઈએ.

બાવરા થઈને કદી દરબદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારૂં હો કે નરસુ મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરૂષાર્થનાં,
જેમ પડતા જાય પાસા એમ રમવું જોઈએ.

મુખ્ય કારણ ઈશ્વરી સર્જનની પાછળ હું જ છું,
જ્ઞાનચક્ષુને જે અર્પે નૂર એ બળ હું જ છું;
આ સકળસંસારને માની લો એક વીંટી સમાન,
મધ્યમાં એની સુશોભિત રત્ન કેવળ હું જ છું.

થઈ શકે તો છોડ આ મિથ્યા જગતની સૌ ફિકર,
માણ જીવન ભૂત-ભાવિની કશી ચિંતા વગર;
ધનને દોલત કોણ સાથે લઈ ગયું કે લઈ જશે ?
મોહ ત્યાગી, દાન આપી, ખાઈ પીને મોજ કર.

એક અજબ વક્રતા એ છે કે ઉમર ખૈયામ મૂળ તો એક ગણિતશાસ્ત્રી હતા અને આગળ જોયું એમ ગણિતમાં એમનું પ્રદાન ખૂબ મહત્વ ધરાવે છે, પરંતુ એ પ્રસિદ્ધ થયા એક કવિ તરીકે, હજી આજે પણ એમની કવિતા – રૂબાઈયાત વંચાવે ય અને વંચાતી રહેશે કદાચ. ૧૯૩૪માં નિશાપુર (ઈરાન)માં ઉમર ખૈયામનું બાવલું ઊભું કરવામાં આવ્યું. ખૈયામ સાહિત્ય પ્રેમીઓના હૃદયમાં આજે પણ જીવે છે.