પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રસ્તાવના

માનવજાતની વૈચારિક ક્ષમતાને લીધે વિજ્ઞાનનો જન્મ થયો અને વિજ્ઞાનના વિકાસને લીધે માનવજાતની પ્રગતિ સંભવી શકી. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ નવાનવા આવિષ્કારો થઈ રહ્યા છે જેનો મુખ્ય ધ્યેય માનવજાતને વધારે ને વધારે સુખ−સગવડો આપવાનો છે. માનવજાતે જેટલી પ્રગતિ છેલ્લા ૧૫૦ વર્ષોમાં કરી છે એટલી અગાઉના વર્ષોમાં પણ કરી ન હતી. એનો અર્થ એ નથી કે આજના વિજ્ઞાનીઓએ કંઈક નવું કરી નાંખ્યું છે. બલ્કે સત્ય તો આ છે કે વિજ્ઞાનની મોટા ભાગની નવી શોધ એની પુરોગામી શોધના પાયા ઉપર જ આધારિત છે. આજની આધુનિક શોધો વાસ્તવમાં વર્ષો પહેલાં શોધાયેલી શોધો ઉપર જ આધારિત છે.

વિજ્ઞાનના ઈતિહાસમાં એક સોનેરી પ્રકરણ અબ્બાસી વંશના ખલીફાઓને આભારી છે. ઈસ ૮૩૦ માં બગદાદના ખલીફા મામૂન અલ રશીદે ‘જ્ઞાનગૃહ' (House of Wisdom) ની સ્થાપના કરી. આ જ્ઞાનગૃહ એક પ્રયોગશાળા, અનુવાદ માટે લાયબ્રેરી અને વિજ્ઞાનીઓની ચર્ચા વિચારણાનું કેન્દ્ર હતું. અહીં વિજ્ઞાનીઓ ગ્રીક અને રોમન ગણિત અને ફિલસુફીના ક્લાસીક ગ્રંથોનો સીરીયાક અને અરબી ભાષામાં અનુવાદ કરતા હતા. એમાં હુસૈન ઈબ્ને ઈશ્હાક તથા ઈશ્હાક ઇબ્ને હુનૈન જેવા ધુરંધર અનુવાદકો હતા. તો બીજા વિજ્ઞાનીઓ અહીં પોતાના પ્રયોગો કરતા હતા. આ અનુવાદ કાર્યને લીધે ક્ષેત્રીય ભાષાઓમાં પણ અનુવાદ થયા પરિણામે સ્થાનિક લોકો પણ જ્ઞાન−વિજ્ઞાન વિશે સમજવા લાગ્યા. નવમી સદીમાં શરૂ થયેલી અનુવાદ પ્રવૃત્તિ બારમી સદી આવતા આવતા સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ. યુરોપના ઈતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાતા આ સમયગાળામાં જ્ઞાનનો પ્રસાર પ્રચાર વધતો ચાલ્યો અને ૧૫ મી સદીમાં પુનઃ જાગૃતિ (Renaissance) નો પ્રારંભ થયો. એ પછી આધુનિક યુગની શરૂઆત ગણવામાં આવે છે. શૂન્યની શોધ ભારતમાં થઈ. પરંતુ એના પ્રચારપ્રસારમાં સૌથી મહત્વનો ફાળો આરબોનો હતો. આજના ડીજીટલ યુગમાં કમ્પ્યુટરની આખી ભાષા જ શૂન્ય અને એક ઉપર આધારિત છે. ત્યારે આપણે કહી શકીએ કે આધુનિક ડીજીટલ યુગનો પાયો નાંખનારા આરબો હતા.

જીપીએસસીની પરીક્ષામાં 'વિશ્વનો ઈતિહાસ' વિષયમાં જ્યારે તૈયારી કરી રહ્યો હતો ત્યારે આરબો અને મુસ્લિમ વૈજ્ઞાનિકો વિશે ગુજરાતીમાં ઘણી શોધખોળ કરી. પરંતુ કોઈ પુસ્તક મળ્યું નહીં. ત્યારે જ આના વિશે લખવાનું મનમાં નક્કી કરી લીધુ હતું. એ પછી થોડુંક લખાયું અને દુબઈ જવાનું થઈ ગયું. કામ અટકી પડ્યું.