પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્યાંથી આવ્યા પછી સિવીલ એન્જિનીયરીંગ કન્સલ્ટીંગનું કામ પુનઃ શરૂ કર્યું. પરંતુ નવરાશ મળતી નહોતી. ઘણી મહેનત પછી લખાણ પુરું થયું અને ગુજરાતી ભાષામાં કદાચ આ પ્રકારનું પહેલું પુસ્તક તમારા હાથમાં છે ત્યારે આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે.

આ પુસ્તક લખવાનો બીજો આશય એ હતો કે લોકો જાણે કે આજની આધુનિક શોધો થઈ એ પહેલા મધ્ય યુગમાં કેવા મહાન વિજ્ઞાનીઓ થઈ ગયા. આશ્ચર્ય તો એ છે કે મોટા ભાગના લોકો આ વિજ્ઞાનીઓના નામ પણ નથી જાણતા. આનું એક કારણ તો આ પણ છે કે પશ્ચિમી જગતે આરબો અને મુસ્લિમોની શોધમાં થોડોક ફેરફાર કરી એને પોતાના નામે ચઢાવી લીધી હતી.

આમા કેટલોક વાંક આજના મુસ્લિમ વિદ્વાનોનો પણ હશે જેમણે મધ્યયુગના આ મહાન વિદ્વાનોના કાર્યોનો પ્રચાર પ્રસાર માટે કોઈ પગલાં ન લીધા. ખેર, જે કાંઈ પણ થયું હોય. હવે આવશ્યક્તા આ વાતની છે કે મુસ્લિમો પોતાના ભૂતકાળમાંથી સારા ભવિષ્ય માટે પ્રેરણા લે. ધાર્મિક ગ્રંથોની સાથે વિજ્ઞાનનો પણ અભ્યાસ કરે. ખુદ કુર્આનમાં વિજ્ઞાનની એટલી બધી આશ્ચર્યજનક વાસ્તવિક્તાઓનો ઉલ્લેખ છે કે આધુનિક યુગના ઘણા બિનમુસ્લિમ વૈજ્ઞાનિકોએ એના અભ્યાસ પછી ઈસ્લામ સ્વીકારી લીધો છે. 'કુર્આન અને વિજ્ઞાન' વિશે આખું પુસ્તક લખી શકાય એટલું બધું છે. મુસ્લિમો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, નિરાશા ખંખેરે, અભ્યાસુ બને અને શિક્ષણ પ્રાપ્ત કરે તો સફળતા જરૂર મળવાની છે.

આશા છે કે આ પુસ્તક વિજ્ઞાનના અભ્યાસમાં વાચકોને ઉપયોગી થશે.

વિજ્ઞાનનું પુસ્તક કોઈ સંદર્ભ વિના લખી જ ન શકાય. આ પુસ્તક લખવા માટે ઘણા બધા સંદર્ભ ગ્રંથોનો આશરે લીધો હતો. કેટલીક વેબસાઈટ ઉપરથી પણ માહિતી લીધી હતી.

આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે હું સૌ પ્રથમ સર્વ શક્તિમાન અલ્લાહનો આભાર માનું છું એની કૃપાને લીધે જ આ શક્ય બન્યું છે.

આ ઉપરાંત જે લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે તેમનો તથા સંદર્ભ ગ્રંથ લેખકોનો અને વેબસાઈટોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

તા. ૧૮-૦૪-૨૦૧૭
સઈદ શેખ
મંગળવાર
મો. નં. ૯૬૨૪૦૪૬૬૭૭