પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અબૂલ હસન અલ મસૂદી

અબૂલ હસન અલી બિન અલ હુસૈન અલ મસૂદી ઈ.સ. ૮૯૬માં ઈરાકના બગદાદમાં જન્મ્યા હતા. તેઓ ઇસ્લામના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાથીદાર (સહાબી) અબ્દુલ્લાહ ઇબ્ને મસૂદના વંશમાંથી હતા. તેઓ નિષ્ણાંત ભૂગોળશાસ્ત્રી તબીબ અને ઇતિહાસકાર હતા. ઈ.સ. ૯૫૭માં એમનું અવસાન થયું હતું.

'આરબોના હેરોડોટ્સ' તરીકે ઓળખાતા અલ મસૂદી 'સાંસ્કૃતિક ઇતિહાસ' અને 'માનવ ભૂગોળ' જેવી બે મહત્વની વિદ્યાશાખાઓના સ્થાપક ગણાય છે. તેઓ પ્રથમ આરબ હતા જેણે ઇતિહાસ અને વૈજ્ઞાનિક ભૂગોળશાસ્ત્રને સંયુક્તરૂપે જોડી ઈતિહાસ ભૂગોળના વિશ્વકોષ 'મુરૂજ અજ ઝહબ વ માદીન અલ જવાહિર' (The Meadows of Gold and mines of Gems) ની રચના કરી.

ભૂગોળશાસ્ત્રી હોવાના નાતે તેમણે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો અને જાત માહિતીથી ભૂગોળ અને ઇતિહાસનું લેખન કર્યું. તેમણે ઈ.સ. ૯૧૫માં ફારસ (ઈરાન)નો પ્રવાસ કર્યો. ઈસ્તીખારમાં એક વર્ષ રહ્યા પછી બગદાદ થઈ ભારત પહોંચ્યા અને ફારસ પાછા ફરતાં પહેલા મુલતાન અને મનસુરાની મુલાકાત લીધી. ત્યાંથી કિરમાન અને પાછા ભારત આવ્યા. એ દિવસોમાં મન્સૂરા સિંધમાં મુસ્લિમ રાજ્યનું પાટનગર હતું અને ખૂબ પ્રસિદ્ધ હતું. ઈ.સ. ૯૧૮માં મસૂદી લગભગ ૧૦ હજારથી પણ વધુ આરબ મુસ્લિમો સ્થાયી થયા હતા - એ ગુજરાતની મુલાકાત લીધી હતી. તેઓ દખ્ખણ, સીલોન, ચીન અને ત્યાંથી મડાગાસ્કર, ઝાંઝીબાર, ઓમાન થી બસરા (ઈરાક) પહોંચ્યા. તેઓ માત્ર પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવવામાં માનતા ન હતા. તેઓ જાતે ઘણા દેશોની મુલાકાત લીધી અને એ દેશોના લોકો, સંસ્કૃતિ, રીતિરિવાજો વાતાવરણ વગેરે વિશે લખ્યું. બસરામાં 'ગુરૂજ અલ ઝહબ' નામક ગ્રંથમાં આ બધા અનુભવો વિશે લખ્યું છે. આ ઉપરાંત તેમણે 'અખબાર અલ ઝમાન વમુન અબાદહૂ અલ હદશાન' (Chronicles of the age and of the bygone races) (કાળ અને લૂપ્ત જાતિઓની તવારિખ) નામક ગ્રંથ ૩૦ ભાગમાં લખ્યો છે. આમાં જે દેશોની એમણે મુલાકાત લીધી હતી એમનાં ઇતિહાસ અને ભૂગોળની વિસ્તૃત માહિતી આપી છે. આ ગ્રંથ ઇતિહાસના વિશ્વકોષ સમાન છે.