પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૫૩
 
અલ ખાઝિન

અબૂ જાફર મુહમ્મદ ઈબ્ને અલ હસન અલ ખુરાસાની અલ ખાઝિન પૂર્વ ઈરાનના ખુરાસાનમાં ઈ.સ. ૯૦૦માં જન્મ્યા હોવાનું મનાય છે. ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં મહત્વનું યોગદાન આપનાર અલ ખાઝિનને વાચકો અબ્દુલ રહમાન અલ ખાઝિની (મૃ. આ. ૧૧૦૦) થી સમજફેર ન કરે.

અબૂ જાફર અલ ખાઝિન રૈ શહેરના બુવાહિદ શાસક રૂકનુદૌલા (૯૩ર−૯૭૬)નાં દરબારમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા અને રૂકનુદ્દૌલાના આદેશથી સૂર્યની અયનવૃત્તનીતિર્યકતા (Obliquity) રીંગ થી માપી હતી.

અસ્તૂરલાબના કોષ્ટકો બાબતે અલ ખાઝિને 'ઝિજ અલ સફાઈહ' ની રચના કરી જેને અલ કિફતીએ એમનું શ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું હતું. અલ બિરૂનીએ પોતાના ગ્રંથ 'અલ આસાર અલ બાકીયા મિન અલ કુરૂન અન ખાલિયા'માં આને પ્રગતિકાર તથા ગોળાની પશ્ર્વગતિની સમજણ માટે સરાહ્યું છે.

અલ ખાઝિને 'અલ મદખલ અલ કબીર ફી ઈલ્મ અલ નુજૂમ' કે જે ખગોળશાસ્ત્ર બાબતે છે એમાં ઈસ્લામી પ્રથમ માસ મુહર્રમના સપ્તાહનો શોધવાની બે રીતે વર્ણવી છે એને પણ અલ બિરૂની એ પોતાના ઉપરોક્ત ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે.

અલ કરખી (મૃ. ૧૧૩૮-૩૯)એ 'અલ મુન્તહા'માં ઉલ્લેખ કર્યા મુજબ અલ ખાઝિન પૃથ્વીના ગોળાની ભ્રમણની ચોક્કસ સમજણ ધરાવતા હતા. અલ ખાઝિને આ સિદ્ધાંત 'સિર્ર અલ આલમીન'માં ટાંક્યો છે. હાલમાં આ રચના અસ્તિત્વ ધરાવતી નથી.

અલ ખાઝિને ગ્રીક ગણિતશાસ્ત્રી ટૉલેમીના 'અલમાજેસ્ટ' નું વિવેચન લખ્યું હતું. આમા કેટલીકં બાબતો માટે અલ બિરૂનીએ અલ ખાઝિનની ટીકા કરી હતી.

ઈબ્ને અલ કિફતીના મત મુજબ અલ ખાઝિન અંકગણિત, ભૂમિતિ અને 'તસ્યીર’ (ખગોળીય ગણતરીઓ)માં નિષ્ણાંત હતા. ઉમર ખૈયામના મત મુજબ અલ ખઝિન શંકુચ્છેદનો ઉપયોગ કરી ઘન પદાવલિઓનો ઉકેલ મેળવનાર પ્રથમ ગણિતશાસ્ત્રી હતા.